Site icon Revoi.in

તો શું ખેડૂતોનું આંદોલન સમેટાઇ રહ્યું છે? ટિકરી બોર્ડર પણ ખાલી થવા લાગી

Social Share

નવી દિલ્હી: છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો અને ખેડૂતો સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે ધીરે ધીરે કેટલાક રસ્તાઓ ખાલી કરી રહ્યા છે. આંદોલન સમેટાઇ રહ્યું હોવાના પણ સંકેત મળી રહ્યા છે. ખેડૂતોની સહમતિ બાદ ટિકરી બોર્ડર પર રોહતક જતા એક હિસ્સાને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. પોલીસે પણ કેટલાક ડિવાઇડરો અને ટ્રોલા હટાવવાનું શરૂ કર્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ટિકરી બોર્ડર પાસે કેટલાક ડિવાઇડર હટાવવામાં આવી રહ્યાં છે. આ ડિવાઇડર હટાવી લેવાતા હવે એવી પણ આશા જાગી છે કે દિલ્હીથી બહાદુરગઢ તરફ જતા આ રસ્તાને સામાન્ય જનતા માટે ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, ખેડૂત આંદોલનને લઇને સુપ્રીમ કોર્ટે એવી ફટકાર લગાવી હતી કે, ખેડૂતોને આંદોલન કરવાનો હક છે પરંતુ ખેડૂતો ચક્કાજામ કરીને આંદોલન ના કરી શકે. દિલ્હી-બહાદુરગઢ રસ્તા પરના હળવા ડિવાઇડર્સ દૂર કરવામાં આવ્યા હતા જ્યારે કોંક્રિટને હજુ સુધી નથી હટાવાયા. દિલ્હી પોલીસ અનુસાર ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પરના ઇમરજન્સી માર્ગ ખોલવાની પણ યોજના છે.

નોંધનીય છે કે, ગત 21 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને પગલે બંધ રસ્તાઓ ખોલાવવાને લઈ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી થઈ હતી. તેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું હતું કે, વિરોધ પ્રદર્શન ખેડૂતોનો અધિકાર છે પરંતુ રસ્તાઓને અવરૂદ્ધ ન કરી શકાય અને આ મામલે કોઈ જ સંદેહ ન હોવો જોઈએ.