Site icon Revoi.in

અજાનને કારણે અલાહાબાદ યુનિ.ના કુલપતિને ઊંઘમાં વિક્ષેપ પડે છે, કાર્યવાહીની માંગ

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આવેલી અલાહાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિની એક ચિઠી હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હકીકતમાં એમ છે કે, યુનિવર્સિટીના પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવે સ્થાનિક ડીએમને ચિઠ્ઠી લખીને મસ્જિદમાં થતી અજાનના કારણે તેમની ઊંઘમાં વિક્ષેપ થતો હોવાની ફરિયાદ કરી છે અને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવે પ્રયાગરાજના ડીએમને ઉદ્દેશીને મોકલેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, રોજ સવારે આશરે 5.30 કલાકે મસ્જિદમાં અજાન થાય છે. તેવામાં લાઉડસ્પીકરના મોટા અવાજને કારણે તેમની ઊંઘને ખલેલ પહોંચે છે. કુલપતિની ફરિયાદ પ્રમાણે અજાનથી ઊંઘને ખલેલ પહોંચે છે અને પછી ફરી ઊંઘ નથી આવતી. આ કારણે આખો દિવસ માથામાં દુખાવો થાય છે અને કામકાજ પર પણ તેની વિપરિત અસર થાય છે.

કુલપતિએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ કોઇ સંપ્રદાય, વર્ગ કે જાતિની વિરુદ્વ નથી. સાથે જ એક કહેવતનો ઉલ્લેખ કરતા એમ પણ લખ્યું હતું કે, તમારી સ્વતંત્રતાનો ત્યાં આવે છે જ્યાંથી મારું નાક ચાલુ થાય છે. તેમણે ચિઠ્ઠીમાં અપીલ કરી છે કે, અજાન લાઉડસ્પીકર વગર પણ થઇ જ શકે જેથી બીજી કોઇ વ્યક્તિની દિનચર્યા પર તેની અસર ના પડે.

તેમણે પત્રમાં બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, ભારતના બંધારણમાં પણ તમામ વર્ગ માટે પંથનિરપેક્ષતા તેમજ શાંતિપૂર્ણ સૌહાર્દની પરિકલ્પના કરવામાં આવી છે. સાથે જ અલાહાબાદ હાઇકોર્ટના આદેશનો પણ હવાલો આપ્યો છે.

તેમણે ડીએમ ઉપરાંત કમિશનર, આઈજી અને ડીઆઈજીને પણ આ ચિઠ્ઠી મોકલી હતી. ડીઆઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના કહેવા પ્રમાણે થોડા દિવસ પહેલા એક લેટર મળ્યો હતો અને સંબંધિત અધિકારીને તપાસ બાદ કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

(સંકેત)