Site icon Revoi.in

RSSના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબલેની પસંદગી, આગામી 3 વર્ષ સુધી સંભાળશે કાર્યભાર

Social Share

બેંગ્લુરુ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબલેની પસંદગી કરવામાં આવી છે. બેંગ્લુરુના જનસેવા વિદ્યા કેન્દ્રમાં ચાલી રહેલી પ્રતિનિધિ સભાની બેઠકના અંતિમ દિવસે નવા સરકાર્યવાહની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી. દત્તાત્રેય હોસબલે આગામી ત્રણ વર્ષ સુધી સરકાર્યવાહ તરીકેની જવાબદારી સંભાળશે. તેઓ હાલના સંઘના સરકાર્યવાહ ભય્યાજી જોશીનું સ્થાન ગ્રહણ કરશે. આ પહેલા તેઓ સહ સરકાર્યવાહની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

મહત્વનું છે કે, સંઘમાં પ્રત્યેક ત્રણ વર્ષે ચૂંટણી પ્રક્રિયા મારફતે જિલ્લા સંઘચાલક, વિભાગ સંઘચાલક, પ્રાંત સંઘચાલક, ક્ષેત્ર સંઘચાલકની સાથોસાથ સરકાર્યવાહની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ આ લોકો ટીમની જાહેરાત કરે છે, જેઓ આગામી 3 વર્ષ સુધી કાર્યભાર સંભાળે છે. આવશ્યકતા અનુસાર વચ્ચે કોઇ પદો પર ફેરફાર કરાય છે. પ્રચારક તેમજ પ્રાંત પ્રચારકની જવાબદારીમાં ફેરફાર પણ પ્રતિનિધિ સભાની બેઠક દરમિયાન જ નક્કી કરાય છે. સંઘમાં પ્રતિનિધિ સભા મારફતે જ નિર્ણય લેવામાં આવે છે.

અગાઉ સંઘના સરકાર્યવાહ તરીકે સુરેશ ભય્યાજીએ કાર્યભારનું વહન કર્યું હતું. જો કે, વર્ષ 2018ની ચૂંટણી દરમિયાન ભય્યાજીએ સરકાર્યવાહ તરીકેની જવાબદારીથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જો કે તેમના નેતૃત્વ હેઠળ સંઘમાં કાર્યોના વિસ્તરણને ધ્યાનમાં રાખતા સંઘે તેમને ફરીથી આ જવાબદારી પ્રદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

દત્તાત્રેય હોસબલેની કારકિર્દી વિશે

કર્ણાટકના રહેવાસી દત્તાત્રેય હોસબલેનો જન્મ 1 ડિસેમ્બર, 1954માં થયો છે. વર્ષ 1968માં તેઓ કર્ણાટકના શિવમોંગા જીલ્લામાં સંઘના સંપર્કમાં આવ્યા બાદ તેઓ સ્વયંસેવક બન્યા હતા. વર્ષ 1978માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય બન્યા અને વર્ષ 1990માં પ્રચારક બન્યા હતા. તેઓએ અંગ્રેજી વિષય સાથે MAની પદવી હાંસલ કરી છે. વિદ્યાર્થી પરિષદમાં ક્ષેત્રીય તેમજ રાષ્ટ્રીય મહામંત્રી ઉપરાંત અખિલ ભારતીય સંગઠન મંત્રી તરીકેની જવાબદારી પણ તેઓ સંભાળી ચૂક્યા છે. તેઓ સંઘના અખિલ ભારતીય બૌદ્વિક પ્રમુખ પણ રહ્યા છે. ત્યારબાદ સહ સરકાર્યવાહ તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો છે.

નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સરસંઘચાલક પછી સરકાર્યવાહના પદને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા સંગઠનના બીજા મહત્વપૂર્ણ પ્રમુખ પદ માટે જ્યારે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવે છે ત્યારે તેમાં કોઇપણ પ્રકારનો દેખાડો જોવા નથી મળતો અને સંપૂર્ણ પારદર્શિતા જોવા મળે છે. ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયમં કેન્દ્રીય કાર્યકરિણી, ક્ષેત્ર તેમજ પ્રાંત સંઘચાલક, કાર્યવાહ તેમજ પ્રચારક અને સંઘના સ્વયંસેવકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે છે.

(સંકેત)