Site icon Revoi.in

Central Vista પ્રોજેક્ટમાં વૃક્ષો કાપવા, ઇમારત તોડવા પર સુપ્રીમે લગાવી રોક

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા એટલે કે રાજધાની દિલ્હીમાં નવા સાંસદભવન સાથે જોડાયેલા નિર્માણ સંબંધી એક અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટવાળા સ્થળ પર કોઇ પણ વૃક્ષ કાપવામાં નહીં આવે. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટની એક બેન્ચે અરજીના એક સમૂહ પર સુનાવણી કરી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ કાર્યની પદ્વતિઓ પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે, તેઓ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ કરનારી પેન્ડિંગ અરજીઓ પર કોઇ નિર્ણય આવે ત્યાં સુધી નિર્માણ કાર્ય કે ઇમારતોને તોડવાની મંજૂરી નહીં આપે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણને લઇને સરકારના વિચારોની જાણકારી આપવા માટે પાંચ મિનિટનો સમય આપ્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે આવશ્યક દસ્તાવેજી કાર્ય કરી શકે છે અને ભૂમિપૂજનના પ્રસ્તાવિત સમારોહનું આયોજન કરી શકે છે.

સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ કેન્દ્રએ ખાતરી આપી હતી કે તેઓ મામલા પર કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે ઇમારત તોડવા કે નિર્માણનું કાર્ય નહીં કરે.

મહત્વનું છે કે, PM મોદી 10 ડિસેમ્બરે નવા સંસદની આધાર શિલા રાખશે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 861.90 કરોડ રૂપિયાના ખર્ચથી નવા સંસદ ભવનના નિર્માણનો કોન્ટ્રાક્ટ તાતા પ્રોજેક્ટ લિમિટેડને મળ્યો હતો. આ નવું ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો હિસ્સો છે અને તેને હાલના સંસદ ભવનની નજીક બનાવવામાં આવશે.

(સંકેત)