Site icon Revoi.in

IFFIમાં પસંદ પામનારી ગુજરાતી ભાષાની ત્રીજી ફિલ્મનું ગૌરવ હાંસલ કરતી ડિરેક્ટર વિજયગીરી બાવાની “21મું ટિફિન” ફિલ્મ

Social Share

અમદાવાદ: વર્ષ 1952થી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) યોજાય છે અને આ વર્ષે ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે અને ગુજરાત વધુ એક વખત ગૌરવાન્તિત થયું છે. અહીંયા ગૌરવપૂર્ણ વાત એમ છે કે, આ વર્ષે યોજાયેલા IFFI 2021ની આવૃત્તિમાં ગુજરાતી ફિલ્મ ‘21મું ટિફિન’ સિલેક્ટ થઇ છે. ઇન્ડિયન પેનારોમા સેક્શન હેઠળ ફિલ્મને પસંદ કરવામાં આવી છે.

તાજેતરમાં ‘21મું ટિફિન’ ગુજરાતી ફિલ્મનું સ્ક્રિનિંગ પણ યોજવામાં આવ્યું હતું. સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મને દર્શકો અને જ્યૂરીનો અદ્દભુત પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે ઑફલાઇન ઇવેન્ટ આયોજીત થઇ હોવાથી વિશ્વભરમાંથી દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મ નિર્દેશક વિજયગીરી બાવા, નિર્માતા ટ્વિંકલ બાવા, લેખક રામ મોરી, અભિનેત્રી નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને સંગીત નિર્દેશક મેહુલ સુરતીનું રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય એક ગૌરવની બાબત એ છે કે, ICFT- યુનેસ્કો ગાંધી મેડલ કોમ્પીટિશનમાં પણ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે.

IFFI અને ગુજરાતી ફિલ્મના જોડાણનો અનેરો નાતો છે. અગાઉ વર્ષ 1980માં ફિલ્મ ‘ભવની ભવાઇ’ અને વર્ષ 1992માં ‘હું હુંશી હુંશી લાલ’ ઇન્ડિયન પેનારોમા સેક્શન અંતર્ગત IFFIમાં સિલેક્ટ થઇ ચૂકી છે. હવે વર્ષ 2021માં ગુજરાતી ફિલ્મ ‘’21મું ટિફિન’ સિલેક્ટ થઇ છે. વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘21મું ટિફિન’ આ વર્ષે IFFIમાં સિલેક્ટ થનારી એક માત્ર ગુજરાતી ફિલ્મ છે.

નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘21મું ટિફિન’ અગાઉ WRPN WOMEN’S INTERNATIONAL FILM FESTIVALમાં આઉટસ્ટેન્ડિંગ એક્સેલન્સ શ્રેણીમાં વિજેતા થઇ છે. તે ઉપરાંત ટોરોન્ટો ઇન્ટરનેશનલ વીમેન ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામી છે અને સફળતાપૂર્વક સ્ક્રીનિંગ થયું છે.

આ ફિલ્મના નિર્માતા ટ્વિંકલ બાવા છે. ફિલ્મમાં નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદારે ભૂમિકા નિભાવી છે. મેહુલ સુરતીનું સંગીત છે અને પાર્થ તારપરાએ ગીત લખ્યા છે અને પ્લેબેક સિંગર મહાલક્ષ્મી ઐયરે ગીતોને સ્વર આપ્યો છે.

ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી ટિફિન સર્વિસનો બિઝનેસ કરતી એક મહિલા પર છે. જ્યારે તેને 21માં ગ્રાહક મળે છે ત્યારે તેમનું જીવન બદલાઇ જાય છે. તેના સંઘર્ષો અને પડકારો છતાં તે વિજય પ્રાપ્ત કરે છે.

ડિરેક્ટર વિજયગીરી બાવાની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ ડિસેમ્બર ૨૦૨૧માં દર્શકો સુધી પહોંચશે.

નોંધનીય છે કે, 1952થી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) કાર્યરત છે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવે છે અને ગોવા ખાતે એનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ અને એવોર્ડ સેરેમની યોજાય છે. અહીં  ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત ભારતની દરેક ભાષામાંથી જે તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરીને આ ફેસ્ટિવલમાં વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો સાથે રીપ્રેઝન્ટ કરવામાં આવે છે.