Site icon Revoi.in

દિવાળી પહેલા દેશના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, જાણો કોણે આપી ધમકી

Social Share

નવી દિલ્હી: દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી હુમલાના પત્રથી ખળભળાટ મચ્યો છે. આ આતંકી સંગઠને ઉત્તરપ્રદેશના મહત્વના રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ આતંકીઓએ હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર મોકલ્યો છે. જે બાદ હવે સુરક્ષા એજન્સીઓનો વધુ સચેત અને સતર્ક થઇ ગઇ છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ શનિવારે આ ધમકી આપી હતી.

આ ધમકી બાદ દરેક રેલવે સ્ટેશનનોની સુરક્ષાને વધુ સઘન કરવામાં આવી છે અને CCTV કેમેરા દ્વારા સ્ટેશનો પર પણ ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. જીઆરપી,  આરપીએફ અને ડોગ સ્કવોડ એલર્ટ મોડ પર છે.

શનિવારે મોડી રાત્રે ગુપ્તચર વિભાગ તરફથી એવુ ઇનપુટ મળ્યું હતું કે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ રાજ્યના 46 મહત્વના રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકી સંગઠને હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર લખ્યો હતો અને તેમણે સુરક્ષા એજન્સીઓને આ અંગે માહિતગાર કર્યા હતા.

આતંકી સંગઠનોએ લખનૌ, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર અને ગોરખપુર વગેરે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપી છે. વારાણસીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પર સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે.

આ ધમકી બાદ ટ્રેનોમાં પણ પેટ્રોલિંગને વધુ સઘન કરવામાં આવ્યું છે. સ્ટેશનના સુરક્ષાકર્મીઓ પણ સતર્ક છે અને ખતરાને જોતા સ્ટેશનોમાં વધારાના સુરક્ષાકર્મીઓને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્ટેશનો પર સુરક્ષાકર્મીઓ સામાન તેમજ મુસાફરોની તપાસ કરી રહ્યાં છે અને ટ્રેનની અંદર ડોગ સ્ક્વોડ તપાસ કરી રહી છે.