Site icon Revoi.in

નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, 87.66 મીટર ભાલો ફેંકીને જીતી ડાયમંડ લીગ

Social Share

દિલ્હી : ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. નીરજે લુસાને ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે 87.66 મીટર દૂર ભાલો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિઝનમાં આ તેની સતત બીજી જીત છે. અગાઉ દોહા ડાયમંડ લીગમાં પણ તેણે 88.67 મીટર ભાલો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

આ નીરજ ચોપરા માટે તે શાનદાર પુનરાગમન હતું. તેણે 5 મેના રોજ દોહા ડાયમંડ લીગ પછી ઈજાને કારણે આ મહિનાની શરૂઆતમાં FBK ગેમ્સ અને પાવો નુર્મી ગેમ્સમાંથી બહાર થઈ ગયા પછી કોઈપણ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો.

નીરજ ચોપરાએ આ લીગના પાંચમા રાઉન્ડમાં 87.66 મીટરના થ્રો સાથે આ ખિતાબ જીત્યો હતો. જો કે, તેણે આ રાઉન્ડમાં ફાઉલથી શરૂઆત કરી અને પછી 83.52m , ત્યારબાદ 85.04m ભાલો ફેંક્યો. આ પછી, ચોથા રાઉન્ડમાં વધુ એક ફાઉલ થયો, પરંતુ તેના બીજા જ રાઉન્ડમાં તેણે 87.66 મીટરનો થ્રો કર્યો. નીરજનો છેલ્લો થ્રો 84.15 મીટર હતો, પરંતુ કોઈ પણ ખેલાડી નીરજના પાંચમા રાઉન્ડની બરાબરી કરી શક્યો નહોતો અને તેણે ડાયમંડ લીગ જીતી હતી.

ભારતીય જેવલિન સ્ટારે 2023માં 90 મીટરનો આંકડો પાર કરવાની વાત કરી હતી. જોકે, તેણે કહ્યું હતું કે આ અંગે તેના પર કોઈ દબાણ નથી. નીરજનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ 89.94 મીટર છે, જ્યારે તે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ સાથે બીજા સ્થાને રહ્યો હતો.

દોહામાં આયોજિત ડાયમંડ લીગ જીત્યા બાદ નીરજે ભાલા ફેંકની રેન્કિંગમાં વધુ એક સફળતા મેળવી છે. તે 22 મેના રોજ જ નંબર-1 એથ્લેટ બન્યો હતો. આ સાથે નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ રચીને ભારતનું નામ રોશન કર્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા હવે ભાલા ફેંક રેન્કિંગમાં નંબર 1 એથ્લેટ બની ગયો છે. આ ભારતીય સ્ટારે પ્રથમ વખત આ રેન્કિંગ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે.