Site icon Revoi.in

નેપાળમાં હજુ પણ વિનાશકારી ભૂકંપ આવી શકે છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

Social Share

નવી દિલ્હીઃ નેપાળમાં રાત્રે આવેલા ભૂકંપમાં 132 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર તેમજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત અન્ય પડોશી રાજ્યોમાં જોવા મળી હતી. આ પહેલા 3 ઓક્ટોબર અને 15 ઓક્ટોબરે દિલ્હી અને NCRમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં એક મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. દરમિયાન, એક સિસ્મોલોજિસ્ટે ચેતવણી આપી છે કે, લોકોએ સાવચેત અને તૈયાર રહેવાની જરૂર છે. ટૂંક સમયમાં ફરી ભૂકંપ આવી શકે છે.

વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના ભૂતપૂર્વ સિસ્મોલોજિસ્ટ અજય પૉલના જણાવ્યા અનુસાર, શુક્રવારના ભૂકંપનું કેન્દ્ર નેપાળના ડોટી જિલ્લામાં હતું, આ વિસ્તાર પણ નેપાળમાં 3 ઓક્ટોબરે આવેલા ભૂકંપથી પ્રભાવિત થયો હતો. તેમણે દાવો કર્યો હતો કે, નેપાળમાં સેન્ટ્રલ બેલ્ટની ઓળખ સક્રિય ઉર્જા પ્રકાશનના ક્ષેત્ર તરીકે કરવામાં આવી છે.

આ પહેલા પણ ઘણા વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે, હિમાલયના ક્ષેત્રમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે કારણ કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ ઉત્તર તરફ જતી વખતે યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યાં છે કે લગભગ 40-50 મિલિયન વર્ષો પહેલા, હિમાલયની રચના ત્યારે થઈ હતી જ્યારે ભારતીય પ્લેટ હિંદ મહાસાગરથી ઉત્તર તરફ આગળ વધીને યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ હતી.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, હિમાલય પર દબાણના કારણે અનેક ભૂકંપ આવવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. આગામી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આઠથી વધુ હોઈ શકે છે. જો કે ખરેખર આટલો મોટો ભૂકંપ ક્યારે આવશે તે અંગે સચોટ આગાહી કરવામાં આવી નથી.