Site icon Revoi.in

નવી શિક્ષણનીતિના 3 વર્ષ પૂર્ણ: 10+2+3 ની જગ્યાએ 5+3+3+4 મુજબના અભ્યાસક્રમ કેન્દ્રીય વિદ્યાલયોમાં અમલી

Social Share

અમદાવાદઃ દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે. સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રુચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારત હાંસલ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020નાં ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવી શિક્ષણનીતિથી અવગત કરાવતા કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય પવનકુમાર સુથાર અને નવોદય વિદ્યાલયના આચાર્યએ જણાવ્યું કે વર્ષ-2030 સુધીમાં ધો-1 થી 10માં 100 નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ થયેલ છે. તેને હવે 5+3+3+4 મુજબ અમલી બનાવવામાં આવ્યું છે. ઉપરાંત શાળાના વાતાવરણ સાથે બાળકો અનુકૂલન શોધી શકે તે માટે તેમને ત્રણ વર્ષ થયાથી બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, બાળક 6 વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓ, રમત, વાર્તા અન્ય શૈક્ષણિક ઉપકરણો ઉપરાંત શિક્ષક અને વિદ્યાર્થીના વચ્ચે જોડાણ સ્થાપિત થાય તેવી રીતે શિક્ષણ કાર્ય કરવા પર ભાર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે ઉપરાંત ભવિષ્યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે, તેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે જેવી બાબતોના કૌશલ્યો વિદ્યાર્થીઓ શીખી શકે તેને આ શિક્ષણનીતિ હેઠળ વણી લેવામાં આવ્યાં છે.

આમ, નવી શિક્ષણ નીતિમાં કૌશલ્યવર્ધન પર ભાર આપવામાં આવ્યો છે. જેથી બેરોજગારીની સમસ્યા પણ હાલ થશે. ઉપરાંત ભારત વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધશે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓમાં દક્ષતા કેળવાય અને અનુભવ આધારિત શિક્ષણ મળે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે.

હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે. જો કે, નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે.