નખત્રાણા : રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરનું કચ્છમાં એક નવુ ડેસ્ટીનેશન મળી આવ્યું છે, આ એક એવું સ્થળ છે, કે તેનું વાતાવરણ માફક આવી જતાં અને સલામતી હોવાથી એક હજારથી વધુ મોરલાઓ જોવા મળી રહ્યા છે. મોરના ટેંહુક..ટેહુંકના અવાજથી આ વિસ્તારમાં એક અનોકો નજારો જોવા મળી રહ્યો છે. આ સ્થળ છે, કચ્છનો ધીણોધર ડુંગર, મોરલાઓની નવી વસાહત જોઈને પક્ષી પ્રેમીઓ પણ આનંદિત બની ગયા છે.
કચ્છના જંગલો અને પર્યાવરણની શોભા વધારતા મોર પક્ષીઓ એક માત્ર ધીણોધર ડુંગર છાવરમાં અંદાજે એક હજારથી વધુ સંખ્યામાં વિચરે છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં પવનચક્કીઓના ઓછા વ્યાપના કારણે ધીણોધર ડુંગર મોર પક્ષીઓની વસાહત માટે સૌથી વધુ શાંત રક્ષિત વિસ્તાર ગણવામાં આવે છે. સિદ્ધયોગી ધેરમનાથ દાદાની તપોભૂમિ કચ્છનો હેમાળો ધીણોધરમાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો-દર્શનાર્થી, પર્યટકો માટે પહાડમાં વિચરતા સોહામણા સરસ્વતીનાં વાહન રાષ્ટ્રીય પક્ષી મોરનાં દ્રશ્યો અને ટહુકા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં સર્વત્ર પવનચક્કીઓ અને વીજ પાવરના તોતિંગ ટાવર અને વીજ રેષાનો ઘોંઘાટ અને શોર્ટસર્કિટથી અસંખ્ય પ્રમાણમાં મૃત્યુને ભેટતાં ખાસ કરીને મોરને રક્ષિત કરવા તંત્રએ કાળજી લેવી જોઇએ એવું પર્યાવરણ, જીવદયાપ્રેમીઓ ઇચ્છે છે, જ્યારે ધીણોધરની ચોતરફ પવનચક્કીઓનું રોપણ રોકવા ધીણોધર થાન જાગીરના મહંત, સાધુ-સંતો જાગૃત છે, જેથી પવનચક્કીઓ ઊભી કરવા સામે રોક લાગી છે. બીજી તરફ ધીણોધર તળેટીમાં ચણવા આવતાં પક્ષીઓ માટે જીવદયાપ્રેમી દાતાઓ દ્વારા ઘઉં, જુવાર, ચોખા જેવા ચણના ધાન્ય દાનમાં મળતા હોવાથી મહંત મહેશનાથજી તથા મહંત સોમનાથજીએ દાતાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
(Photo-File)