Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં આજે 2024-25ના વર્ષના બજેટમાં નવી યોજનાઓ જાહેર થવાની શક્યતા

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો 1લી ફેબ્રુઆરીને ગુરૂવારથી રાજ્યપાલના સંબોધન સાથે પ્રારંભ થયો છે. વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સખાવતી સંસ્થાઓ માટેના જમીનની બિનખેતીની પરવાનગીઓ સહિતના મુશ્કેરીઓ દુર કરવા માટેના સુધારા કાયદામાં કરવામાં આવ્યા હતા, દરમિયાન આજે 2જી ફેબ્રુઆરીને શુક્રવારે નાણા પ્રધાન કનુભાઇ દેસાઇ ગુજરાત સરકારનું સને 2024-25 નું અંદાજ પત્ર રજૂ કરશે, લોકસભાની ચૂંટણી નજીક હોવાથી નવા કરવેરા લાદવામાં આવે એવી શક્યતા નહીવત છે.  અંદાજપત્રમાં નવી યોજનાઓ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત વિધાન સભા ગૃહમાં ગુરૂવારે રાજયપાલના સંબોધન બાદ ગુજરાત વિધાનસભામાં સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કેટલીક જમીન જે બિન ખેતી નહોતી થતી તેથી જમીનના કાયદામાં કેટલાક સુધારા કરાયા હતા. 30 જુન, 2015 પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા જોગવાઈ કરાઇ છે. આજે શુક્રવારે વર્ષ 2024-25ના વર્ષનું અંદાજપત્ર રજુ કરવામાં આવશે. ગત વર્ષ કરતા બજેટનું કદ પણ મોટું હશે. રાજ્ય સરકારને જીએસટીપેટે આવકમાં વધારો થયો છે. ચાલું નાણાંકીય વર્ષના છેલ્લા બે મહિનામાં ગુજરાતને GST અને VAT થકી થયેલી આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ જાન્યુઆરી-2024માં રાજ્યને GST અને VAT થકી રૂ. 8992 કરોડની આવક થઈ છે. જે GSTના અમલીકરણ બાદની બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક મનાય છે. અગાઉ ચાલું નાણાંકીય વર્ષના એપ્રિમ મહિનામાં સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ હતી. આમ GST અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાંજ પ્રથમ તેમજ દ્વીતિય ક્રમની સૌથી ઊંચી માસિક આવક થઈ છે. હવે જો આંકડા પર નજર નાંખીએ તો, જાન્યુઆરી-2024માં રાજ્યને GST થકી 5861 કરોડની આવક થઈ છે. ડિસેમ્બર-2023માં થયેલી રૂ. 5082 કરોડની આવક કરતાં 15 ટકા વધુ છે. આવી જ રીતે જાન્યુઆરી મહિનામાં રાજ્યને VAT હેઠળ 3061 કરોડની આવક થઈ છે. જે ડિસેમ્બર-2023માં થયેલી 2792 કરોડની આવક કરતાં 10 ટકા વધુ છે. જ્યારે ચાલું નાણાંકીય વર્ષમાં જાન્યુઆરી મહિના સુથીમાં રાજ્યને GST-VAT અંતર્ગત કુલ 89,765 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે રાજ્યના કર વિભાગને ફાળવવામાં આવેલા લક્ષ્યાંક 1,05,786 કરોડના 85 ટકા છે. આમ સરકારની આવકમાં વધારો થતાં બજેટમાં અનેક નવા વિકાસના કામોની જાહેરાત થવાની શક્યતા છે. (file photo)