Site icon Revoi.in

ન્યુઝિલેન્ડએ ગુજરાતમાં કૃષિ ઉદ્યોગ, ડેરી ફાર્મિંગ સહિત ક્ષેત્રમાં સહભાગીતાની ઉત્સુકતા દર્શાવી

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત ન્યુઝિલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શ્રીયુત વિન્સ્ટન પીટર્સ અને પ્રતિનિધિ મંડળે લીધી હતી.

ગુજરાત સાથે એગ્રી બિઝનેસ એન્ડ સેન્ટર ઓફ એક્સલન્સ, મેરિટાઈમ કો.ઓર્ડીનેશન, ફૂડ સિક્યુરિટી, ડેરી ફાર્મિંગ, રિન્યુએબલ એનર્જી તેમજ ગ્રીન હાઈડ્રોજન, ટુરીઝમ જેવા સેક્ટર્સમાં સહભાગીતાની ઉત્સુકતા ન્યૂઝિલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરએ દર્શાવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ન્યુઝિલેન્ડ સાથે ગુજરાતની એજ્યુકેશન કોલોબરેશનની સંભાવનાઓના સંદર્ભમાં વાતચીત કરતા કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનેલી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં હાયર એજ્યુકેશન સાથે સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પલોયેબિલિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ન્યુઝિલેન્ડની કંપનીઝ ગિફ્ટસિટીમાં ફિનટેક સહિતની જે ડિજિટલ ઇકો સિસ્ટમ વિકસી રહી છે તેનો લાભ લેવા આવે તે માટેનું પ્રેરક સૂચન પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાથી ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેની પણ ભૂમિકા આ બેઠક દરમિયાન આપી હતી.

વડાપ્રધાનશ્રી વિશ્વમિત્ર તરીકે દુનિયાના દેશો સાથે ભારતના સંબંધો વિકસે તે માટે સંકલ્પબદ્ધ છે. ભારત તેમના નેતૃત્વમાં વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે અને હવે તેમાં ત્રીજા સ્થાને પહોંચવાનો સંકલ્પ છે તે દિશામાં આ વાઇબ્રન્ટ સમિટ માઇલસ્ટોન બનશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગનો સેતુ વધુ સુદ્રઢ કરવા સતત પરામર્શ માટે જોઈન્ટ કો. ઓપરેશન કમિટીની રચના માટે પણ આ બેઠકમાં વિચાર-પરામર્શ થયો હતો.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ.જે. હૈદર તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ ન્યુઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરને કચ્છી ભરતનો વોલપીસ અને શૉલ સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી હતી.