Site icon Revoi.in

કચ્છમાં ભૂજ-ભચાઉ હાઈવે પર નવા બનાવેલા ઓવરબ્રીજના લોકાર્પણના મહિનાઓમાં તિરાડો પડી

Social Share

 ભુજ: પશ્ચિમ કચ્છને જોડતો ભુજ – ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ 42 ઉપરનો મુખ્ય ભુજોડી ઓવર બ્રિજ આખરે 10 વર્ષ બાદ થોડાક મહિનાઓ અગાઉ જ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડાક મહિનાઓની અંદર જ ભુજોડી ઓવરબ્રીજ પર તિરાડો સાથે સળિયા દેખાવા લાગ્યા છે. ઓવરબ્રિજ ઉપર સળિયા દેખાતા લોકો બ્રીજના નીચેથી જવાનો રસ્તો પકડ્યો છે. લોકાર્પણ કર્યાના માત્ર 6 મહિનામાં જ બ્રીજમાં તિરાડો પડતા લાગતા બ્રીજનું નબળુ બાંધકામ હોવાની ચર્ચા જાગી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભૂજ-ભચાઉના નેશનલ હાઈવે પરના ભુજોડી ઓવર બ્રિજ 75 કરોડના ખર્ચે અને એક દાયકાના સમય બાદ નિર્માણ પામેલ હતો પરંતુ કચ્છનો અતિમહત્વનો ગણાતો આ ભૂજોડી ઓવરબ્રિજ ઉપર હાલમાં મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. ભૂજોડી ઓવરબ્રિજના ઉદ્ઘાટનને હજુ છ માસ પણ નથી થયા અને ઓવરબ્રિજ પર તિરાડો અને સળિયા દેખાવા લાગ્યા છે તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.વિડિયો જોઈને લોકોએ બ્રિજની ગુણવતાને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. પુલ પર દેખાઈ રહી છે મોટી મોટી તિરાડો અને સળિયાઓ ક્યાંક અકસ્માત સર્જી ને મોટી જાનહાની પણ થઈ શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વરસાદમાં પણ આ પુલમાં પણ મોટી મોટી તિરાડો પડી હતી. ત્યારબાદ ચાલુ વરસાદમાં રિપેર કામ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તો સળિયાની નીચે એટલે કે પુલનો નીચેનો ભાગ પણ દેખાય છે એ પ્રમાણમાં તિરાડો પડી છે અને સળિયા ખુલી ગયા છે. 1.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનાવતા સરકારને દાયકો લાગ્યો હતો અને 2 જી જૂનના ઉદ્ઘાટન પૂર્વ માર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઓવરબ્રિજમાં ખાસ પ્રકારની પથ્થરની ઓવર લોપિંગની દીવાલ પણ ફસકી પડી રહી છે અને પથ્થરો બહાર આવતા દેખાઈ રહ્યા છે. 5 માળ જેટલી ઊંચી દીવાલ પાણી અંદર જતા પથ્થરો ખસકી જાય તો મોટી જાનહાની થઈ શકે છે. આ બ્રિજથી જિલ્લાના આશરે રોજના 1000 વાણીજ્યક/માલવાહક તથા ખનીજ વહન કરતાં વાહનોને તથા વ્યાપાર જગતના આશરે 13000 જેટલા પેસેન્જર વાહનોને પણ પસાર થાય છે આમ આ જીવાદોરી સમાન પુલિયો ઓવરબ્રિજમાં તિરાડો પડતા લોકોમાં રોષ પણ છે.