Site icon Revoi.in

રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં ‘NIA’એ બે આતંકીઓને ઝડપ્યાં

Social Share

બેંગ્લોરઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં પશ્ચિમ બંગાળમાં કોલકાતા નજીકથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. 1 માર્ચના રોજ બેંગલુરુના એક કેફેમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદીઓની ઓળખ મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ મદીન તાહા તરીકે થઈ છે.

NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ફરાર અદબુલ માથિન તાહા અને મુસાવીર હુસૈન શાઝિબને NIAની ટીમે તેમની ધરપકડ કરી હતી. 12 એપ્રિલની સવારે NIAએ કોલકાતા નજીકથી ફરાર આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યાં તેઓ ખોટી ઓળખ હેઠળ છુપાયેલા હતા.” ગયા મહિને NIAએ 30 વર્ષીય તાહા અને શાજીબના ફોટોગ્રાફ્સ સાથે તેમની સાથે જોડાયેલી માહિતી શેર કરી હતી. આ આતંકવાદીઓ પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “શાજીબ એ આરોપી છે જેણે કાફેમાં IED પ્લાન્ટ કર્યું હતું. જ્યારે તાહા બ્લાસ્ટની યોજના બનાવવા અને તેને અંજામ આપવા પાછળનો માસ્ટરમાઈન્ડ છે.”  NIAએ કહ્યું કે 300 થી વધુ કેમેરાના CCTV ફૂટેજને સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું છે કે 2020માં સુરક્ષા એજન્સીઓના રડાર પર આવેલા ISISના બે ઓપરેટિવ શાજીબ અને તાહાએ વિસ્ફોટને અંજામ આપ્યો હતો.

એક અધિકારીએ કહ્યું, “NIAએ આ કેસમાં વધુ બે લોકોને પણ આરોપી બનાવ્યા છે. તેમાંથી એક 26 વર્ષીય માઝ મુનીર અહેમદ ઘટના સમયે જેલમાં હતો. બીજો આરોપી 30 વર્ષીય મુઝમ્મિલ શરીફ છે, જેને NIA દ્વારા 27 માર્ચે સેલફોન, નકલી સિમ કાર્ડ અને બ્લાસ્ટની યોજના બનાવવા અને તેને અંજામ આપવા માટે વપરાતી અન્ય સામગ્રી આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.