Site icon Revoi.in

કરણી સેના પ્રમુખ ગોગામેડીની હત્યાના મામલે 31 સ્થાનો પર દરોડા: હરિયાણા-રાજસ્થાનમાં NIAની કાર્યવાહી

Social Share

નવી દિલ્હી: કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના મામલામાં એનઆઈએ દ્વારા હરિયાણા અને રાજસ્થાનના 31 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં આ હત્યાકાંડની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી હતી. કેસ પોતાના હાથમાં લીધા બાદથી જ એનઆઈએ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. પૂછપરછથી મળેલી જાણકારીના આધારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દરોડાની કાર્યવાહી કરી રહી છે.

સુખદેવસિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરે જયપુરમાં તેમના નિવાસસ્થાને જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાકાંડની આ ઘટના સીસીટીવીમાં પ કેદ તઈ હતી. ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારે લીધી હતી. ગેંગસ્ટરે ફેસબુક પોસ્ટ દ્વારા ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી હતી. રિપોર્ટ મુજબ, હત્યાથી કેટલાક મહિનાઓ પહેલા જ રોહિત ગોદારાએ દુબઈના નંબર પરથી સુખદેવસિંહ ગોગામેડીને ધમકી આપી હતી.

મામલામાં દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને રાજસ્થાન પોલીસે સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના મામલામાં આરોપી શૂટર રોહિત રાઠૌડ, નીતિન ફૌજી અને સહયોગી ઉધમને 10 ડિસેમ્બરે ચંદીગઢથી ઝડપી પાડયા હતા. તેના સિવાય જયપુર પોલીસે ગોગામેડી હત્યાકાંડનું ષડયંત્ર રચનારા વધુ એક શખ્સને એરેસ્ટ કર્યો હતો. પોલીસ મુજબ, આરોપી રામવીર જાટે હત્યા પહેલા જયપુરમાં પોતાના મિત્ર નીતિન ફૌજીને તૈયાર કર્યો હતો.

પોલીસ મુજબ, શૂટર ગોદારાના નિકટવર્તી વિરેન્દ્ર ચૌહાન અને દાનારામના સંપર્કમાં હતો. તેના આદેશ પર ગોગામેડીની હત્યા કરવામાં આવી. પોલીસના ફાયરિંગમાં ગોગામેડીના ઘરપર હુમલો કરનારો શખ્સ નવીન શેખાવત પણ માર્યો ગયો હતો. હાલ મામલાની તપાસ આગળ ચલાવાય રહી છે.

મહત્વપૂર્ણ છે કે સુખદેવસિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. વિવાદ થયા બાદ તેઓ આ સંગઠનથી અલગ થયા અને પોતાનું સંગઠન બનાવ્યું. તેઓ આના પહેલા અધ્યક્ષ પણ હતા. ફિલ્મ પદ્માવતના જયપુર કિલ્લામાં શૂટિંગ વખતે 2017માં રાજપૂત કરણી સનાના લોકોએ તોડફોડ પણ કરી હતી. ગોગામેડીએ પદ્માવતના શૂટિંગ દરમિયાન ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. ગોગામેડીએ પદ્માવતી ફિલ્મનો ખૂબ વિરોધ કર્યો હતો. આખરે નિર્માતાઓએ ફિલ્મનું નામ બદલીને પદ્માવત કર્યું. સુખદેવસિંહ ગોગામેડી રાજપૂત સમુદાયના મજબૂત નેતાઓમાંથી એક છે.