અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવેલાં એક નાઈજિરિયન શખસને કસ્ટમ વિભાગે ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. કસ્ટમ વિભાગે આ નાઈજિરિયન શખસ પાસેથી કેપ્સુલ જપ્ત કરી હતી. આ કેપ્સુલમાં ડ્રગ્સ સંતાડીને નાઈજિરિયન શખસ લઈ જઈ રહ્યો હતો. આ નાઈજિરિયન શખસે જે જગ્યાએ ડ્રગ્સ ભરેલા કેપ્સુલ સંતાડ્યા હતા એ જોઈને કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ત્યારે આ મામલે શહેરના ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે, નાઈજિરિયન યુવાન ડ્રગ્સ કોને આપવામાં હતો તેની પણ પૂછપાછ કરવામાં આવી રહી છે.
કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દુબઈથી આવેલી ફ્લાઈટ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટમાં એક નાઈજિરિયન શખસ ઉતર્યો હતો. કસ્ટમ વિભાગને આ નાઈજિરિયન શખસની હિલચાલ શંકસ્પદ લાગતી હતી. એટલે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેને રોક્યો હતો અને પૂછપરછ કરી હતી. ત્યારે તેણે પોતાની પાસે કંઈ પણ ન હોવાનું રટણ કર્યું હતું. આ નાઈજિરિયન પેસેન્જર પાસે સામાન પણ વધુ નહોતો. એટલે કસ્ટમ વિભાગની શંકા વધુ પ્રબળ બની હતી કે, તે કંઈક છૂપાવી રહ્યો છે. આખરે કસ્ટમ વિભાગે તેને બોડી સ્કેનર મશીનમાંથી પસાર કર્યો હતો. આ મશીનમાંથી પસાર કરાતા તેણે શરીરના અંદરના ભાગમાં કંઈક છૂપાવ્યું હોવાનું જણાયું હતું. આખરે કસ્ટમ વિભાગે નાઈજિરિયન મુસાફરની આકરી પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં તે પડી ભાંગ્યો હતો અને કબૂલાત કરી હતી. નાઈજિરિયન શખસે કબૂલાત કરી કે, શરીરના પાછળના ભાગમાં તેણે કેપ્સુલ સંતાડેલી છે. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં તબીબી એક્સ-રે બાદ જાણવા મળ્યું હતું કે, તેણે શરીરના પાછળના ભાગમાં કેપ્સુલ સંતાડેલી છે. ત્યારબાદ તેના શરીરના પાછળના ભાગમાંથી 95 કેપ્સુલ મળી આવી હતી. આ કેપ્સુલમાં પ્રિતબંધિત ડ્રગ્સ હતું. જેની અંદાજિત કિંમત રુપિયા 1.39 કરોડ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.