Site icon Revoi.in

ગુજરાતમાં વધુને વધુ ઊંડા ઉતરતા ભૂગર્ભ જળને લીધે 31 જિલ્લામાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂગર્ભ જળ વધુ ઊંડાને ઊંડા જઈ રહ્યા છે.રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની અછત હોવાથી ભૂગર્ભ જળ ઉપર જ આધારિત છે અને પીવાનું પાણી પણ બોર દ્વારા જ મેળવવું પડે છે ત્યારે રાજ્યના 31 જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ નિયત માત્રા કરતા વધારે હોવાનું  સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું.

કોંગ્રેસના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે વિધાનસભામાં પુછેલા પ્રશ્નના લેખિત જવાબમાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના 31 જિલ્લાના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું છે. જોકે પાણી પુરવઠા બોર્ડ દ્વારા અપાતા પીવાના પાણીમાં કોઇ પણ જિલ્લામાં નાઇટ્રેટ જોવા મળ્યું નથી. ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ નિયત માત્રા કરતા વધારે હોય તો બાળકોમાં બ્લુ બેબી તરીકે ઓળખાતો મિથેઇમોગ્લોબીનેમિયા નામનો રોગ થવાનો ભય રહે છે. સરકારે કહ્યું કે આ સ્થિતિ નિવારવા રાજ્યના મોટાભાગના વિસ્તારોને સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનામાં આવરી લેવામાં આવ્યા છે અને બાકી રહેલા વિસ્તારોને પણ આવરી લેવા માટે યોજનાની કામગીરી પ્રક્રિયા હેઠળ છે. રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળ ખૂબજ ઊંડા ઉતરી ગયા છે. ચોમાસા દરમિયાન બોર અને કૂવાઓમાં વરસાદી પાણી ઉતારીને રિચાર્જ કરવામાં આવે તા જરૂરી છે. આ સમસ્યા દુર કરવા માટે સર્વગ્રાહી આયોજન કરવું જરૂરી છે.