Site icon Revoi.in

ભારતની એર સ્ટ્રાઈક મામલે કોઈપણ દેશે આપણી તરફદારી કરી નથી : પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત

Social Share

પાકિસ્તાનને તેના જ ભૂતપૂર્વ રાજદ્વારી આઈનો દેખાડવાની કોશિશ કરી રહ્યા છે. અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ કહ્યુ છે કે પાકિસ્તાનમાં આવેલા ટેરર કેમ્પ પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ચીન સહીતના કોઈપણ દેશે ઈસ્લામાબાદની સમર્થનમાં ટીપ્પણી કરી નથી. તેમણે એમ પણ કહ્યુ છે કે હવે આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનોના મામલે દુનિયાની ધીરજ પણ જવાબ આપી રહી છે.

હુસૈન હક્કાનીએ કહ્યુ છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતમાં આવેલા બાલાકોટ ખાતેના જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર ભારતે બોમ્બમારો કરીને તેને ધ્વસ્ત કર્યો છે. મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા એલઓસીથી 80 કિલોમીટર દૂર કાર્યવાહી કરીને મોટી સંખ્યામાં આતંકવાદીઓ, ટ્રેનર્સ અને વરિષ્ઠ કમાન્ડરોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 1971 બાદ પહેલીવાર પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ દાખલ થઈને એર સ્ટ્રાઈક કરી હતી.

અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ કહ્યુ છે કે ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ કોઈપણ દેશે પાકિસ્તાનની તરફદારી કરી નથી. પાકિસ્તાન દ્વારા તેના વાયુક્ષેત્રના ઉલ્લંઘન મામલે ભારત સામેના વિરોધ વખતે ચીને ઈસ્લામાબાદની તરફદારી કરવાના સ્થાને બંને દેશોને સંયમ રાખવાની સલાહ આપી હતી.

હુસૈન હક્કાની પાકિસ્તાનની સેનાના પ્રખર ટીકાકાર છે અને તેમને પાકિસ્તાનના કટ્ટરવાદી જૂથો દ્વારા સતત ધમકીઓ પણ આપવામાં આવે છે. તેઓ હાલ હડસન ઈન્સ્ટિટ્યૂટ થિન્ક ટેન્કના દક્ષિણ અને મધ્ય એશિયા વિભાગના ડાયરેક્ટર તરીકે કામગીરી કરી રહ્યા છે. હુસૈન હક્કાનીએ તાજેતરમાં  “Reimagining Pakistan: Transforming a Dysfunctional Nuclear State” નામનું પુસ્તક પણ લખ્યું છે.

હુસૈન હક્કાનીએ કહ્યુ છે કે પાકિસ્તાનમાં હાઈપર નેશનાલિસ્ટ સેન્ટિમેન્ટ ભલે સ્વીકારતા હોય નહીં, પરંતુ આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનોના મામલે દુનિયાની ધીરજ ખુટી રહી છે અને આ પાકિસ્તાન માટે સારું નથી.

પાકિસ્તાનના અન્ય એક સ્કોલર મોઈદ યૂસુફનું પણ માનવું છે કે વૈશ્વિક અભિપ્રાય પાકિસ્તાનની સાથે નથી. મોઈદ યૂસુફને પાકિસ્તાનના એસ્ટાબ્લિશમેન્ટ સાથે ઘનિષ્ઠતા ધરાવનારા માનવામાં આવે છે.

મોઈદ યૂસુફે કહ્યુ છે કે વૈશ્વિક અભિપ્રાય ભારતની સાથે છે અને તેથી ઘર્ષણ પાકિસ્તાન અથવા ભારતના એરસ્પેસમાં થાય છે તેનો કોઈ અર્થ રહેતો નથી. તેથી પાકિસ્તાન માટે આ એર સ્ટ્રાઈકના મામલે ગમ ખાવામાં જ ભલાઈ છે અને મામલો વધારે ખેંચવો જોઈએ નહીં.

તેમણે એમ પણ કહ્યુ છે કે નિશ્ચિતપણે ભારતની એર સ્ટ્રાઈકને વધારે સફળ માનવામાં આવે છે અને બીજી રીતે તેને જોવી પાકિસ્તાન માટે વધુ મુશ્કેલ છે.

તેઓ હાલ યુએસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પીસના એશિયા સેન્ટરમાં એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ છે. તેમના તાજેતરના પુસ્તક “Brokering Peace in Nuclear Environments”માં ક્રોસ બોર્ડર ટેરરિઝમની પૃષ્ઠભૂમિમાં પરમાણુ શક્તિ સંપન્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મામલે વિગતવાર રજૂઆત કરવામાં આવી છે.

તેમણે કહ્યુ છે કે બોટમ લાઈન એ છે કે જો પાકિસ્તાનને લાગતું હશે કે પ્રતિઘાત કરવો પડશે અને ભારત આનું ફરીથી પુનરાવર્તન કરશે, તો આપણે ગંભીર પ્રકારના સંકટમાં ફસાઈ જઈશું. આ એક મોટી આફત હશે, ભારતઅને પાકિસ્તાન વચ્ચે અમેરિકા જેવા ત્રીજા પક્ષ વગર બાદમાં સુલેહ સ્થપાવાની સંભાવના રહેશે નહીં.

યૂસુફે કહ્યુ છે કે અમેરિકાએ તણાવ ઘટાડવાના મામલે આગેવાની લેવી જોઈએ. તેમણે કહ્યુ છે કે જો તેઓ વોશિંગ્ટનમાં હોત, તેઓ તણાવને ઘટાડવા માટે કોશિશો કરત. આ મામલાના ખતરા ઘણાં મોટા છે.

મહત્વપૂર્ણ છે કે પુલવામા ખાતેના જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 44 જવાનોના શહીદ થવાના બારમા દિવસે ભારત દ્વારા પીઓકે અને પાકિસ્તાનમાં ત્રણ ઠેકાણે એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. પાકિસ્તાનને ઘેરવા માટે ભારતે પુલવામા એટેકમાં પાકિસ્તાનની ભૂમિકા અને તેના દ્વારા આતંકવાદનો સ્ટેટ પોલિસી તરીકે થઈ રહ્યો હોવાના મામલે કૂટનીતિક ઘેરાબંધીની કોશિશો આક્રમક રીતે શરૂ કરી છે.

પાકિસ્તાન પર આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનોને સમાપ્ત કરવા માટે અમેરિકા સહીતના દેશો દબાણ પણ બનાવી રહ્યા છે.