Site icon Revoi.in

અમદાવાદીઓને રાહતઃ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ સહિતના અન્ય ટેક્સમાં નહીં કરાય વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં કોર્પોરેશનની તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. તેમજ ભાજપ દ્વારા મેયર તરીકે કિરીટ પરમારની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન કોર્પોરેશનના અંદાજપત્રમાં શહેરીજનો ઉપર પ્રોપર્ટી ટેક્સ સહિત કોઈ પણ ટેક્સમાં વધારો નહીં કરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે.  જેથી કરદાતાઓને શિરે આ વર્ષે ટેક્સના કરદરમાં વધારાનો બોજ નહીં પડે અને ટેક્સના કરદરનું માળખું યથાવત રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારને મોકલી આપેલી કરદર અંગેની દરખાસ્તોમાં મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સમાં કે અન્ય ટેક્સના કરદરમાં કોઈ વધારો નહીં કરવાનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે તેથી હવે મ્યુનિ.ના સને 2021-22ના અંદાજપત્રમાં કરદર અંગેની કોઈ દરખાસ્તોનો સમાવેશ કરવામાં નહીં આવે. માત્ર મ્યુનિ.ના આવક-જાવકના સ્ત્રોત અને નાણાકીય ફાળવણી તથા વિકાસ કામોની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવશે.

મ્યુનિ. કમિશનર તા. ૨૦મી માર્ચ સુધીમાં પોતાનું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીની એક તાકીદની બેઠકમાં કરે તેવી શકયતા છે. શાસક પક્ષ ભાજપ આ ડ્રાફ્ટ અંદાજપત્ર પર શહેરના વિકાસ માટેની વિવિધ દરખાસ્તો અને વધુ નાણાં ફાળવવા અંગેના સુધારા રજૂ કરશે અને સ્ટેન્ડિંગ કમિટીમાં લીલીઝંડી આપ્યા બાદ મ્યુનિ.ની અંદાજપત્ર બેઠકમાં તેને આખરી મંજૂરી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદ સહિત છ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ભાજપે સત્તા જાળવી રાખી હતી. તેમજ આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મિલકત વેરા સહિત અન્ય કોઈ પણ કરમાં વધારો નહીં કરવામાં આવે તેવુ ચર્ચાઈ રહ્યું છે.