Site icon Revoi.in

વડોદરામાં હોડી દુર્ઘટનાના કેસમાં કોઈને ય છોડવામાં નહીં આવેઃ મુખ્યમંત્રી

Social Share

વડોદરાઃ શહેરના  હરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ વડોદરા પહોંચ્યા હતા. રાજ્ય સરકારે પણ આ ઘટનાની  ગંભીરતાથી નોંધ લીધી છે. અને જિલ્લા મેજિસ્ટ્રેટને દુર્ઘટનાની તપાસના આદેશ સોંપ્યા છે. આ સાથે તેમને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો અને પીડિતોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સમગ્ર ઘટના અને કાર્યવાહી અંગે માહિતી આપી હતી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘ન્યૂ સનરાઈઝ બાળકો સ્કૂલના શિક્ષકો સાથે પિકનિક માટે હરણી લેક ઝોન ગયા હતા. જ્યાં લગભગ 4.45 વાગે હરણીના મોટનાથ તળાવમાં હોડી પલટી જતા કરુણ ઘટના બની હતી. આ ઘટનામાં અનેક બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સદનસીબે 18 બાળકો અને 2 શિક્ષિકાઓનો બચાવ થયો છે. પરંતુ દુર્ભાગ્યવશ અનેક માતા-પિતાઓએ ભુલકાઓ ગુમાવ્યા છે. 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયા છે.’

તેમણે બચાવ કામગીરી અંગે જણાવતા કહ્યું હતું કે, ‘ઘટનાના દ્રશ્યો અને બચાવ કાર્યના દ્રશ્યો જોઈને ગુજરાતના પ્રત્યેક પરિવારો એકેએક બાળકનો જીવ કેવી રીતે બચે તેના માટે પ્રાર્થના કરતા હતા. આ ઘટનામાં પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુની કમિશ્નર ઘટનાની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. NDRFની 2 ટીમોના 60 જવાનોને તાત્કાલિક કામે લગાડી દેવામાં આવ્યા હતા. બાળકોને રેસ્ક્યૂ કરીને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે તે માટે કામગીરી કરી હતી. બાળકોને વહેલીતકે સારવાર મળે તે માટે તંત્રે પ્રયાસ કર્યા હતા. ખાનગી હોસ્પિટલમાં બાળકોને ઝડપથી સારવાર મળે તે માટે પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં વડોદરાના ખાનગી તબીબોએ ખુબ સહકાર આપ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે,  ‘વડોદરાના જિલ્લા કલેક્ટરને તપાસ કરીને 10 દિવસમાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા આદેશ કરાયા છે. તપાસ કરવા કલેક્ટરને જે કાગળ આપવાની જરૂર હોય તે વિવિધ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે. આ ઘટના ખુબ દુઃખદ છે. ઘટનામાં અનેક પરિવારજનોએ ભૂલકા ગુમાવ્યા છે. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત ભાવુક થયા છે. બાળકોને ન્યાય મળવો જોઈએ તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે.’