Site icon Revoi.in

ઉત્તર ગુજરાતઃ ચાર જાણીતી પેઢીઓ ઉપર આવકવેરા વિભાગના દરોડા

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં હાઈવે-રોડ સહિતના સરકારના મોટા કોન્ટ્રાક્ટનું કામ કરતી ચાર પેઢીઓ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. સાબરકાંઠાના હિમતનગર તથા અન્ય સ્થળો ઉપર આવકવેરા વિભાગે સર્ચ-સર્વેની કામગીરી આરંભી છે. એટલું જ નહીં હિંમતનગરની એક સિમેન્ટ પેઢીના સંચાલકોની પુછપરછ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગમાં દરોડાને પગલે ઉત્તર ગુજરાતના અન્ય મોટા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગના અમદાવાદ અને મુંબઈના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સવારે 12 જેટલા વાહનોમાં હિમંતનગર પહોંચી હતી. તેમજ ચાર મોટી પેઢીઓના સંચાલકોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ આરંભી હતી. હિંમતનગરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટા ઈન્કમ ટેક્ષ દરોડા પૈકીની આ કાર્યવાહી મનાઈ રહી છે. આરટીઓ સર્કલ વિસ્તારમાં આવેલી કોન્ટ્રાક્ટ પેઢીઓની ઓફિસમાં તપાસ કરાઈ હતી. આવકવેરા વિભાગના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાં હતા. કેટલીક ફાયનાન્સ, આંગડીયા અને સિમેન્ટની પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં આવકવેરા વિભાગના દરોડાને પગલે અન્ય વેપારીઓ અને પેઢીઓના સંચાલકોમાં ભય ફેલાયો છે. એટલું જ નહીં આવકવેરા વિભાગના તપાસના અંતે કરોડોની કરચોરી બહાર આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ભારે તેજી જોવા મળી રહી છે. જેથી આવકવેરા વિભાગના અધિકારીઓએ બિલ્ડરોના વ્યવહારો ઉપર નજર રાખી રહ્યાં છે. તેમજ તાજેતરમાં સુરતમાં એક જાણીતા ઉદ્યોગજૂથ ઉપર દરોડા પાડ્યાં હતા.

(PHOTO-FILE)