Site icon Revoi.in

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં માત્ર જહાંજ નહીં પણ ઓઈલ રિંગ પણ ભંગાણ માટે આવી

Social Share

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્રતિ માસ અવનવા જહાજો ભાંગવા માટે આવી પહોંચતા હોય છે. આ શ્રેણીમાં માત્ર 8 વર્ષ જૂની ઓઇલ રિગ અલંગમાં ભંગાણ માટે આવી પહોંચી છે. અગાઉ ચાલુ માસમાં વધુ એક નવી ઓઇલ રિગ પણ અલંગમાં આવી હતી.

અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ તેજીમાં છે. ભંગાણ માટે જહાજો આવી રહ્યા છે. જેમાં પ્લોટ નં.81-એમ  ખાતે તા.12મી નવેમ્બરના રોજ 12196 ટનની ઓઇલ રિગ ભંગાવા માટે આવી પહોંચી હતી. ઓઇલ સંશોધન ક્ષેત્રે ટેકનોલોજીમાં આવી રહેલા સતત તબદીલીઓને કારણે જૂની ટેકનોલોજીની રિગ ભંગાવા માટે મોકલી દેવામાં આવે છે. અલંગના પ્લોટ નં.81-એમમાં વર્ષ 2013માં ચીન ખાતે બનાવવામાં આવેલી ઓઇલ રિગ એમ.વી.બાસડ્રિલ બેટાને લાવવામાં આવી છે. આ અંગે શિપ બ્રેકર્સે જણાવ્યુ હતુ કે, સામાન્ય પ્રકારના જહાજથી ઓઇલ રિગ ભાંગવાનું કામ લાંબુ ચાલે છે, તેને કાંઠા સુધી ખેંચી લાવવાનું કામ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. ગઈ તા. 2જી નવેમ્બરના રોજ પ્લોટ નં.વી-2 હૂગલી શિપ બ્રેકર્સ ખાતે વર્ષ-2011માં દક્ષિણ કોરિયા ખાતે બનાવવામાં આવેલી 36453 મે.ટન વજન ધરાવતી ઓઇલ રિગ એમ.વી. ટાઇટેનિયમ એક્સપ્લોર પણ પોતાની અંતિમ સફરે આવી પહોંચી હતી.  હજુ પણ મોટી સંખ્યામાં રિગ આવી રહી છે. શિપિંગ ક્ષેત્રના નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે આવા પ્રકારની ઓઇલ રિગને તેના સ્થળથી અલંગ સુધી લાવવાનું કામ અતિ મુશ્કેલ હોય છે, અને અલંગમાં પ્લોટ સુધી પહોંચાડવા માટે પણ વિશેષ સાવચેતીઓ રાખવી પડતી હોય છે. ( file photo)

Exit mobile version