Site icon Revoi.in

અમદાવાદમાં રોડ પર ગેરકાયદે પાર્ક કરેલા વાહનોને માત્ર ટ્રાફિક પોલીસ જ નહીં, AMC પણ લોક મારશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ રોજબરોજ વધતી જાય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. ઘણાબધા વાહનચાલકો જાહેર રોડ પર ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિક જામ સર્જાતો હોય છે. આથી ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે પાર્ક કરાયેલા વાહનોને ટોઈંગ કરવામાં આવતા હોય છે. હવે ટ્રાફિક પોલીસની જેમ એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા પણ રોડ પર ગેરકાયદે પાર્ક કરાયેલા વાહનોને લોક મારવામાં આવશે. મ્યુનિ. કમિશનરની સુચના બાદ અસ્ટેટ વિભાગે ગેરકાયદે પાર્ક કરેલા વાહનોને લોક મારવાની ઝૂંબેશ શરૂ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એએમસીના એસ્ટેટ વિભાગના અધિકારીઓને ગેરકાયદેસર પાર્કિંગ મામલે મ્યુનિ.કમિશનરે કડક આદેશ આપ્યા છે. શહેરમાં આવેલા તમામ ઝોનમાં ગેરકાયદેસર પાર્કિંગ થતા હોય એવા રોડનો ડેટા તૈયાર કરવામાં આવશે. રોડ ઉપર ગેરકાયદેસર કેટલા વાહનો પાર્ક થાય છે તેની સંખ્યા સાથે કરી ડેટા તૈયાર કરવા સૂચના અપાઈ છે. જેના આધારે આગામી દિવસોમાં પાર્કિંગ મામલે યોગ્ય આયોજન કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા હોય તો ગેરકાયદેસર પાર્કિંગ છે. લોકો ગમે ત્યાં રોડ ઉપર વાહન પાર્ક કરી દે છે. જેના કારણે રોડ પર ચાલવાથી લઈને અવરજવર કરતા વાહનોને પણ તકલીફ પડે છે. આવા ગેરકાયદેસર વાહન પાર્કિંગ કેટલી જગ્યાએ થાય છે અને મહત્વના કયાં એવા રોડ આવેલા છે. જ્યાં સૌથી વધારે વાહનચાલકો વાહનો રોડ ઉપર મૂકી ગેરકાયદેસર પાર્કિંગ કરે છે. આ તમામ બાબતોનો સર્વે કરી અને વાહનોની સંખ્યા સાથેનો ડેટા તૈયાર કરવામાં આવશે. ગેરકાયદેસર પાર્કિંગ મામલે વાહનોને લોક મારી કરી દેવાની સૂચના પણ મ્યુનિસિપલ કમિશનરે આપી છે. જેના માટે 1000 નવા લોક ઝડપથી મેળવીને કડક કાર્યવાહી કરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા રોજના કુલ 300થી વધુ વાહનોને લોક મારવાની કામગીરી કરવામાં આવે છે અને દંડ વસૂલવાની કાર્યવાહી કરાઇ છે. શહેરમાં આવેલા તમામ વાહનોના ગેરેજ અને સર્વિસ સેન્ટરોનો પણ સર્વે કરવામાં આવશે. કારણ કે, આવા વાહનો પણ રોડ ઉપર વધારે મૂકવામાં આવે છે. જેના કારણે વાહન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા પણ થતી હોય છે. મધ્ય ઝોનમાં આવતા જમાલપુર, ભદ્ર, લાલ દરવાજા, ખાડિયા, માણેકચોકના વિસ્તારોમાં પણ સ્વચ્છતા સ્ક્વોડને અને એસ્ટેટ વિભાગની ટીમને ગેરકાયદેસર દબાણો તેમજ સ્વચ્છતા મામલે કાર્યવાહી કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે