મુંબઈ, 2 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના શ્રીરામપુર કસબામાં એક લોહીયાળ જંગ ખેલાયો હતો. વર્ષ 2012ના પુણે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીઓ પૈકીના એક બંટી જહાગીરદારની અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
- કબ્રસ્તાનથી પરત ફરતી વખતે થયો હુમલો
પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, 50 વર્ષીય બંટી જહાંગીરદાર બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ બોરાવેક કોલેજ રોડ પર આવેલા કબ્રસ્તાનમાંથી અન્ય એક વ્યક્તિ સાથે બાઇક પર પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી બાઇક પર આવેલા બે અજ્ઞાત હુમલાખોરોએ તેને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંટીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.
બંટી જહાંગીરદારનું નામ વર્ષ 2012માં પુણેના વ્યસ્ત એવા જંગલી મહારાજ (JM) રોડ પર થયેલા ચાર લો-ઇન્ટેન્સિટી બોમ્બ બ્લાસ્ટમાં ખુલ્યું હતું. મહારાષ્ટ્ર ATS એ તેની ધરપકડ કરી હતી. આરોપી વર્ષ 2023થી જામીન પર બહાર હતો. આ સિવાય પણ તેની સામે હત્યા અને ગુનાહિત ધમકી આપવાના અનેક કેસો અહિલ્યાનગર જિલ્લામાં નોંધાયેલા હતા.
આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, “હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હુમલાખોરોને પકડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે.” પ્રાથમિક દ્રષ્ટિએ આ જૂની અદાવત અથવા ગેંગવોરનું પરિણામ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ પાડોશી સારો ન હોય તો તેને સંધિના લાભ પણ ન મળી શકેઃ જયશંકર

