Site icon Revoi.in

નીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. સંલગ્ન 9 ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણના નિર્ણય સામે NSUI નો વિરોધ

Social Share

સુરત: રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓને પધરાવી દેવાના સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકોના વિરોધ બાદ હવે દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીના અધ્યાપકો પણ વિરોધમાં જોડાયા છે. ત્યારે આ વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ પણ જોડાયું છે. એનએસયુઆઈ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી કવી નર્મદ પ્રતિમાનો અભિષેક કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના સાર્વજનિક ટ્રસ્ટને ખાનગી યુનિવર્સીટીની મંજૂરી આપી છે. જોકે ખાનગી યુનિવર્સિટી બનતા કેટલીક સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને સાર્વજનિક યુનિવર્સિટી સાથે જોડવામાં આવી હતી. ઉપરાંત કેટલીક ગ્રાન્ટેડ કોલેજોને પણ જોડવામાં આવી છે. જેને પગલે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા સુરત શહેરની 6 અને બારડોલીને 3 જેટલી કોલેજનું જોડાણ રદ્દ કર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.

એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરાયો હતો કે,  શિક્ષણનો વેપલો કરવામાં ભાજપની સરકારે કંઈ જ બાકી રાખ્યું નથી. રાજ્યની અને સુરતની સૌથી જૂની એવી કોલેજોમાં સમાવેશ પામેલી એમટીબી સહિતની કોલેજો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. મોટાભાગની કોલેજોમાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમની સાથે પણ એક પ્રકારે રાજ્ય સરકાર અન્યાય કરતી હોય તેવું લાગે છે. આ સાથે જ એવો આરોપ પણ લગાવાયો છે કે કોલેજનું ખાનગીકરણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ તેની ફીમાં પણ તોતિંગ વધારો થઇ શકે છે. આદિવાસી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોની ફી કેવી રીતે ચૂકવશે તે એક મોટો પ્રશ્ન છે. રાજ્ય સરકાર કયા કારણથી આ પ્રકારના મનસ્વી નિર્ણય લઇ રહી છે. તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. સરકારે લીધેલો આ નિર્ણય જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નો ને વાચા આપવામાં આવશે.