Site icon Revoi.in

મધ્ય ગુજરાતમાં સારસ પક્ષીઓની સંખ્યામાં વધારો, આંકડો 1500ને પાર

Social Share

નડિયાદ, 27 જૂન 2026 : એક સંસ્થા અને ગુજરાત વન વિભાગના નડિયાદ સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા ‘સારસ સંરક્ષણ કાર્યક્રમ’ને મોટી સફળતા મળી છે. તાજેતરમાં યોજાયેલી 11મી વાર્ષિક વસતી ગણતરીમાં ખેડા અને આણંદ જિલ્લામાં કુલ 1576 સારસ પક્ષીઓ નોંધાયા છે, જે 2015-16ની સરખામણીએ 215 ટકાનો વધારો દર્શાવે છે.2015-16માં માત્ર 500ની સંખ્યા ધરાવતા સારસ પક્ષીઓ આજે વધીને 1576 થયા છે. આ સફળતા સાથે ગુજરાત હવે દેશમાં જંગલી સારસની સૌથી વધુ વસતી ધરાવતા રાજ્યોમાં બીજા ક્રમે છે.21 જૂન, ‘સમર સૉલ્સ્ટિસ’ના દિવસે 15 તાલુકાના 208 ગામોમાં 188 લોકોની ટીમે આ ગણતરી પૂર્ણ કરી હતી. ગોબરાપુરા, નારદા અને ત્રાજ વેટલેન્ડમાં પક્ષીઓના સૌથી મોટા ટોળા જોવા મળ્યા હતા.

આ કાર્યક્રમમાં વન વિભાગ, વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ, રૂરલ સારસ પ્રોટેક્શન ગ્રુપ અને સ્થાનિક સ્વયંસેવકોએ મહત્વની ભૂમિકા ભજવી છે.યુપીએલના CSR હેડ સ્વદેશ સક્સેનાએ જણાવ્યું હતું કે, સ્થાનિક ખેડૂતો અને સમુદાયના સહયોગથી સારસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. તેમજ સારસની પ્રજનન શૈલીમાં પણ સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે.આ સંરક્ષણ પ્રોજેક્ટની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે અને કંપનીને વિવિધ CSR એવોર્ડ્સથી સન્માનિત પણ કરવામાં આવી છે.

Exit mobile version