Site icon Revoi.in

ઓડિશા:પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ તોફાન-વીજળીની ચપેટમાં,નુકસાન બાદ ટ્રેન આજે રદ કરવામાં આવી

Social Share

ઓડીસા : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી એકવાર નુકસાન થયું છે. તોફાન અને વીજળીના કારણે હાવડા-પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને કાચ તૂટી ગયા હતા. જેના કારણે રેલવેએ આજની ટ્રેન રદ કરી છે.

ભદ્રક રેલ્વે સ્ટેશનના મેનેજરે જણાવ્યું કે વાવાઝોડાને કારણે ડ્રાઈવરની કેબિનની આગળના કાચ અને બાજુની બારીઓ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આ સાથે વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. રાહતની વાત એ છે કે આમાં કોઈને ઈજા થઈ નથી. જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રેન દુલ્ખાપટના-મંજુરી રેલવે સ્ટેશન વચ્ચે હતી.

હાવડા-પુરી-હાવડા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 મેના રોજ લીલી ઝંડી આપી હતી. બે દિવસ બાદ વંદે ભારતનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દેશની 16મી વંદે ભારત એક્સપ્રેસ છે અને ઓડિશાની પહેલી છે, જે પવિત્ર શહેર પુરીને પશ્ચિમ બંગાળના હાવડાથી જોડે છે.

ટ્રેન નંબર 22895/22896 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ પાટા પર દોડે છે. હાવડા-પુરી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગુરુવારે દોડતી નથી. ટ્રેન હાવડાથી સવારે 6:10 વાગ્યે ઉપડે છે અને 12:35 વાગ્યે પુરી પહોંચે છે. જ્યારે બદલામાં આ ટ્રેન પુરીથી બપોરે 1.50 વાગ્યે ઉપડે છે અને 8.30 વાગ્યે હાવડા પહોંચે છે.

વંદે ભારત એક્સપ્રેસ હાઇ સ્પીડ ટ્રેન છે. આ દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જેની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત છે, જેમાં 80% ઉત્પાદનો સ્વદેશી બનાવવામાં આવ્યા હતા. આ ટ્રેનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટન છે.