Site icon Revoi.in

રાજ્યપાલના કુરૂક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુખ્ય સચિવ સહિત સનદી અધિકારીઓએ લીધી મુલાકાત

Social Share

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતા નિહાળવા અને પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક જાણકારી મેળવવા ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર અને જિલ્લાના કલેકટર્સ સહિત સનદી અધિકારીઓએ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ટીમ ગુજરાતને આવકારતાં કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં આપણે ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય બનાવવું છે. ગુજરાત સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બને એ પ્રકારે કામ કરવાનું છે. જેમ યોગથી સમગ્ર વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઊભી થઈ છે એમ પ્રાકૃતિક ખેતીથી ભારતની વિશેષ ઓળખ ઉભી થાય અને એ માટે ગુજરાત નેતૃત્વ લે એ વર્તમાન સમયની માંગ છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ ગુજરાતના તમામ જિલ્લા કલેકટરર્સને કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં આવકાર્યા હતા અને ટીમ ગુજરાત સાથે પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ફરીને જાતે વિગતવાર માહિતી આપી હતી. કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવાનો વિશાળ પ્લાન્ટ છે, રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ આ પ્લાન્ટની માહિતી આપી હતી. કમલમ્ ફળ માટે હરિયાણાની ભૂમિ સાનુકૂળ નથી, છતાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કમલમ્ ફળનું ઉત્પાદન શરૂ થયું છે, તેની વિગતો પણ આપી હતી. ઓછા પાણીએ થતું ધાનનું મબલક ઉત્પાદન દેખાડ્યું હતું. મિશ્ર પાક પદ્ધતિ, આચ્છાદન, વાપ્સા તથા અળસિયા જેવા મિત્ર જીવ કેવી રીતે કામ કરે છે તેની જાણકારી આપી હતી. પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં આશ્ચર્ય ઉપજાવે એટલી ઊંચી-મહાકાય શેરડીનો પાક દેખાડ્યો હતો. શિંગોડા અને જામફળ જેવા ફળોની ઉપજ અને મધમાખી ઉછેર પદ્ધતિનું નિદર્શન આપ્યું હતું. કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં જ શેરડીના રસમાંથી ગોળ અને ખાંડ બનાવવાની વ્યવસ્થા દેખાડી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ જાતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની ઝીણામાં ઝીણી માહિતી વૈજ્ઞાનિક અભિગમ સાથે સહુ કલેક્ટરોને સમજાવી હતી.

મુખ્યસચિવ  રાજકુમાર અને તમામ જિલ્લા કલેકટર્સે પણ અનેક વિષયોની પૃચ્છા કરીને કુતુહલતાપૂર્વક વિશેષ જાણકારી મેળવી હતી. કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ભારતભરમાંથી અને વિદેશોમાંથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો તાલીમ લેવા આવતા હોય છે. આ પ્રાકૃતિક કૃષિ ફાર્મના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક  ડૉ. હરિ ઓમ પણ આ મુલાકાત વખતે સાથે રહ્યા હતા.

મુખ્ય સચિવ રાજકુમાર અને તમામ જિલ્લા કલેકટરોએ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી 35 વર્ષ સુધી જેના આચાર્ય રહ્યા છે એ ગુરુકુલ, કુરુક્ષેત્રની પણ મુલાકાત લીધી હતી. ટીમ ગુજરાત ગુરુકુલની એન.ડી.એ. વિંગની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈ હતી. આ સ્કૂલમાં બાળકોને નેશનલ ડિફેન્સ એકેડેમીના ધારા ધોરણો પ્રમાણેનું શિક્ષણ અને પ્રશિક્ષણ અપાય છે.

 

Exit mobile version