Site icon Revoi.in

સાતમ-આઠમ અને દિવાળી પર કાર્ડધારકોને 100 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી સિંગતેલ અપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. જેમાં તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં તહેવારોના ટાણે જ લોકોની હાલત કફોડી બની છે. ત્યારે સાતમ-આઠમ અને દિવાળીના તહેવાર અગાઉ રાજ્ય સરકારે સસ્તા ભાવે અનાજ ખરીદતાં કાર્ડધારકોને સસ્તા ભાવે સિંગતેલ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સાતમ-આઠમ અને દિવાળીના પર્વ પહેલાં કાર્ડધારકોને 100 રૂપિયા પ્રતિ લિટરના ભાવે સિંગતેલ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ રાજ્યના 70 લાખથી વધારે કાર્ડધારકોને મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ગરીબ પરિવારનો સસ્તા દરે સિંગતેલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે સરકારી તિજોરી પર 27 કરોડ રૂપિયાનો બોજ પડશે.

શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી  જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) હેઠળ 70 લાખથી વધારે કાર્ડધારકો છે. પ્રથમ વખત ડબલ ફિલ્ડર્ડ સિંગતેલ એ રાહત દરે સાતમ-આઠમ અને દિવાળી પર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિંગતેલની પડતર કિંમત 197 રૂપિયા પ્રતિ લિટર છે. જેમાં 97 રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 100 રૂપિયાના પ્રતિ લિટર ભાવના દરથી આ સિંગતેલ દિવાળી અને સાતમ-આઠમ પહેલાંના દિવસોમાં કાર્ડધારકોને આપવામાં આવશે. આ માટે સરકારી તિજોરી પર 27 કરોડ રૂપિયાનો બોજો પડશે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દર વર્ષે તહેવારોના સમયમાં ગરીબ પરિવાારોને સસ્તા ભાવે અનાજનું વિતરણ કરે છે. રાજ્યમાં NFSA હેઠળ 71 લાખ કાર્ડધારકો છે. સરકારના 100 રૂપિયા પ્રતિ લિટર સિંગતેલ આપવાના નિર્ણયનો લાભ 71 લાખ કાર્ડધારકોને મળશે. બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સસ્તા દરે કાર્ડધારકોને સિંગતેલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.