Site icon Revoi.in

રાજકોટના જસદણ-આટકોટ રોડ પર બન્ને બાજુએ બાવળના ઝૂંડથી વાહનચાલકો પરેશાન

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક હાઈવે પર બન્ને બાજુએ બાવળોના ઝૂંડ જોવા મળતા હોય છે. બાવળોની ડાળીઓ રોડ પર આવી જતાં વાહનચાલકોને મુશ્કેલી પડતી હોય છે. જસદણ-આટકોટ ફોરલેન રોડ બન્યા બાદ જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધીમાં રોડને નડતરરૂપ બાવળો હટાવવા સહિતની કામગીરી કરવામાં આવી ન હોવાથી હાલ આ રોડ ઉપર ઠેરઠેર ગાંડા બાવળોનું જંગલ ફૂટી નીકળ્યું છે. છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં ઘોરી રહ્યું હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો આ ગાંડા બાવળોનું તુરંત કટીંગ કરવામાં નહી આવે તો ગોઝારો અકસ્માત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. છતાં માર્ગ મકાન વિભાગ પંચાયત તંત્રના જવાબદારોને આ ઝાડી ઝાંખરાના જંગલની કંઈ ખબર જ ન હોય તેવું લાગી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  જસદણ-આટકોટ  રોડ પર ગાંડા બાવળના સામ્રાજ્ય ખડકાઈ જતા દરરોજ નાનામોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. જેના કારણે વાહનચાલકોમાં પણ ચડભડ થાય છે. રોડની બન્ને બાજુની સપાટી ઉપર પાંચ-પાંચ ફૂટ સુધી ડાળીઓ ફેલાઈ જવા પામી છે. છતાં જવાબદાર તંત્રના અધિકારીઓને કેમ આ બાવળો હટાવવાનું સુજતું નથી તે લોકોને સમજાતું નથી. જેથી જે તે જવાબદારો  ગાંડા બાવળના લીધે કોઈ મોટી અકસ્માતની દુર્ઘટના બને તે પહેલા બાવળોને હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી જાગૃત લોકોની માંગ ઉઠવા પામી છે. રાજકોટ, ગોંડલ, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં જવા માટે, આટકોટ, સાણથલી, જીવાપર સહિત 15થી વધારે ગામના લોકોને જસદણ આવવા માટે ફરજિયાત આ રોડ પરથી પસાર થવું પડે છે,અનેક જગ્યાએ બાવળો ફૂટી નીકળ્યા હોવાથી અકસ્માતનો ભય રહે છે.