Site icon Revoi.in

ધોરણ1થી 12માં શાળા છોડી દેનારા દોઢ લાખ વિદ્યાર્થીઓને ફરી ભણાવાશે, સરકાર દ્વારા સર્વે કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 1થી 12માં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. કોઈ કારણોસર બાળકો શાળાઓમાં પ્રવેશ મેળવ્યા બાદ શાળા છોડી દેતા હોય છે. એક અંદાજ મુજબ રાજ્યમાં લગભગ દોઢ લાખ બાળકોએ શાળાઓમાં શિક્ષણ લેવાનું બંધ કર્યું છે. પરિવાર આર્થિક સ્થિતિ કે વાલીઓના સ્થળાંતરને લીધે પણ બાળકો શાળાઓ છોડવા મજબુર બન્યા હોય આવા બાળકોને શોધીને તેમને ફરીવાર શાળામાં પ્રવેશ અપાવીને અધૂરૂ ભણતર પૂર્ણ કરાવવાનો સરકારે નિર્ણય લીધે છે. પ્રથમ તો આવા બાળકોને શોધવા માટે રાજ્યવ્યાપી સર્વે કરાશે. અને બાળકોને પોતાના ઘરની નજીકની સરકારી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ધોરણ 1થી 12નું શિક્ષણ પૂરું કરી શક્યાં નથી. તેવાં દોઢ લાખ બાળકો હોવાનો પ્રાથમિક અંદાજ છે. આવા બાળકોનો સરવે કરી તેમને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડવા માટે શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને આદેશ આપ્યા છે. ચાલુ મહિને જ આ ડ્રોપઆઉટ બાળકોનો એક મોટો સરવે કરાશે, જેમાં આચાર્યો, શિક્ષકો, બીઆરસી, સીઆરસી સહિત શિક્ષણ વિભાગના તમામ સ્ટાફને આ સર્વેમાં જોડવામાં આવશે. ઘેર ઘેર ફરીને સર્વે કરાશે.

રાજ્યનાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સમગ્ર શિક્ષા અંતર્ગત જુદાં જુદાં કારણોથી શાળા બહાર રહેલા ધોરણ 1થી 12નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરાશે. તેમજ શાળાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવતા માનવ વસ્તી ધરાવતા તમામ વિસ્તારોનું મેપિંગ કરાશે. અને  વિગતવાર મેપિંગ કરી વિસ્તાર વાઈઝ સર્વે ટીમનું ગઠન કરવાનું રહેશે.  જે-તે વિસ્તારની પ્રાથમિક શાળાને સર્વેની કામગીરી માટેનું મુખ્ય સેન્ટર ગણાશે, જેમાં મુખ્ય શિક્ષક/આચાર્ય ટીમ લીડર હશે. સર્વેના ફોર્મ મુખ્ય શિક્ષક/આચાર્ય ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાંથી ડાઉનલોડ કરી સર્વેયરને પૂરા પાડશે. તથા  સર્વેયરને ફાળવાયેલા ગ્રામ્ય કે શહેરનો સર્વે કરશે, ફોર્મની વિગતો ભરી ટીમ લીડર/આચાર્યને રજૂ કરશે. ત્યારબાદ આચાર્ય માહિતી ચકાસી સીઆરસી કો-ઓર્ડિનેટરને પ્રમાણપત્ર આપશે. સર્વેમાં 6થી 19 વર્ષના શાળા બહારના બાળકોની એન્ટ્રી ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ઓનલાઈન કરાશે.આ સર્વેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ, સ્વૈચ્છિક સંસ્થાઓ જેવા સમૂહો પાસેથી પણ સહયોગ મેળવાશે.