Site icon Revoi.in

મહેસાણામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. ઉત્તરાયણને લઈને વેપારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહેસાણામાં આ વર્ષે પણ ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ નહીં થાય. દરમિયાન મહેસાણાના કડીમાં એક સ્થળથી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આગામી ઉત્તારાયણ તહેવાર નિમિત્તે વધુ નફો કમાઈ લેવા કડીના જુના સરકારી દવાખાના પાસે પશુઓ બાંધવાના તબેલામાં એક શખ્સ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લાવી વેપાર કરી રહ્યો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. કડી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડામાં કડીના ઠાકોરવાસમાં રહેતો સારીક મુસ્તુફાભાઈ ઘાંચીના પશુ બાંધવાના તબેલામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. તબેલાના ખુણામાંથી કાગળના ૩ બોક્સ મળી આવ્યા હતા. જેમાં ચાઈનીઝ દોરીના 150 નંગ રીલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સે આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત દોરીનો વેપાર કરી આર્થિક ફાયદ ઉભો કરવા જથ્થો લાવ્યો હોવાનું કબુલ્યું હતું. પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે શખ્સની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થોડા દિવસ અગાઉ મહેસાણાના પાલાવાસણા સર્કલ નજીક આવેલ જલારામ મંદિર સામે આવેલા એક ગોડાઉનમાંથી રૂ. 10.68 લાખની કિંમતનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે ચાઈનીઝ દોરીના 5124 રીલ જપ્ત કરી આનંદ કનુભાઈ ધોબીની અટકાયત કરી હતી.

Exit mobile version