Site icon Revoi.in

માળીયા મિયાણા પાસે ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઈવરનું મોત, એકને ઈજા

Social Share

મોરબીઃ જિલ્લામાં અકસ્માતે મોતનુ પ્રમાણ વધતું જાય છે. જુદા જુદા પાંચ બનાવોમાં પાંચ જણાના મોત નિપજ્યા હતા.જેમાં માળીયા મિયાણા નજીક હાઇવે ઉપર રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રેલર ટ્રક અને અન્ય ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતા એક ટ્રેલર ચાલકનું કેબિનમાં ચગદાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય ટ્રેલર ચાલકને ઇજાઓ પહોંચી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના માળીયા મિયાણા પોલીસ મથકમાં મૂળ રાજસ્થાનના રહેવાસી ટ્રેલર ચાલક વિજેન્દ્રકુમાર કૈલાશચંદ શર્માએ ટ્રક ટ્રેલર નંબર PB-04-AB- 7582ના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત મોડી રાત્રે રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રક ટ્રેલર ચાલકે તેમના ટ્રક સાથે ધડાકાભેર અથડાવતા તેમને ઇજા પહોંચી હતી અને આ અકસ્માતમાં સામાવાળા ડ્રાઇવરનું કેબિનમાં ચગદાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે માળીયા પોલીસે રોંગ સાઈડમાં આવી અકસ્માત સર્જી મૃત્યુ પામનારા ડ્રાઇવર વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતે મોતના બીજો બનાવમાં મોરબીના અમરનગર નજીક સિરામીક ફેકટરીમાં ગળે ટૂંપો ખાઈ યુવાનનો આપઘાત કર્યો હતો.. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા મીઠીબેન જીવરાજભાઇ દલવાડી ચૂલા ઉપર ચા બનાવતી વખતે દાઝી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી.

મોરબીના લાગધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ નજીક મકાનમાં ઇલેક્ટ્રિક કામ કરતી વખતે અજયભાઇ રમેશભાઇ પાટડીયા ઉ.22 રહે. નવા જાંબુડીયા ધર્મસિધ્ધી સોસાયટી વાળાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી. ઉપરાંત મોરબીના રવાપર રોડ ઉપર આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટમાં બીજા માળે કામ કરતા સમયે પટકાઈ જતા મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર શેરી નં 4માં રહેતા ભાવેશભાઇ ગગુભાઇ અવાડીયા ઉ.40નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી.