Site icon Revoi.in

ગુજરાતના વિકાસના ચાલી રહેલા ડ્રીમ પ્રોજેકટ્સ હવે દર મહિને સમીક્ષા કરાશે

Social Share

ગાંધીનગર:  ગુજરાતમાં ચાલી રહેલા ડ્રીમ પ્રોજેક્ટ્સની દર મહિને સમીક્ષા કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુચના આપી છે. રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટસ તથા ફલેગશીપ યોજનાઓની કામગીરીની પ્રગતિ સમીક્ષા અને આગામી આયોજન માટે પ્રતિ માસ બેઠક યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી સી.એમ ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના આધારે આવા વિવિધ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હવેથી દર મહિનાના પ્રથમ બુધવારે સંબંધિત વિભાગોની ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરાશે.

ગાંધીનગરમાં આજે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવિન ઉપક્રમ અન્વયે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી, તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા. મુખ્યમંત્રીએ કોરોનામાં આર્થિક વિપરીત સ્થિતિનો સામનો કરી રહેલા નાના સ્ટ્રીટવેન્ડર્સ, ફેરિયાઓ-લારી ગલ્લા ધારકોને પૂન: બેઠા કરવાની પી.એમ સ્વનિધિ યોજનાની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ  રાજ્યના શહેરો-નગરોમાં ઘરવિહોણા-નિરાધાર લોકો માટે શેલ્ટર હોમ્સ-આવાસ અંતર્ગત થયેલી કામગીરીની વિગતો પણ રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરો પાસેથી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે આ બે યોજનાઓનો લાભ મહત્તમ જરૂરતમંદ વ્યક્તિઓને આપવા રાજ્યમાં તેનો વ્યાપ વિસ્તારવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વતન ભૂમિ અને પ્રાચીન નગર વડનગરના સર્વગ્રાહી વિકાસ પ્લાન અન્વયે પ્રેરણા સ્કૂલ પ્રોજેક્ટ, આર્કીયોલોજીકલ એક્સપરીમેન્ટ મ્યૂઝિયમ, સ્વદેશ દર્શન પ્રોજેક્ટ અન્વયે વડનગરના વિવિધ ઐતિહાસિક સ્થાનોના રિ-ડેવલપમેન્ટ અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેમણે ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમ સાઇટ અને તેની આસપાસના વિસ્તારને વર્લ્ડકલાસ સસ્ટેઇનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકસીત કરવાના કાર્ય આયોજનની પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ધરોઇની આસપાસ યાત્રાધામ અંબાજી, પોળોના જંગલો, સૂર્યમંદિર મોઢેરા તથા વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ અને પ્રાચીન તીર્થ વડનગર જેવા પ્રવાસન યાત્રાધામો આવેલા છે તેને ધરોઇ ડેમ સાઇટની સમગ્ર પ્રવાસન સરકીટ સાથે જોડવાના આયોજન અંગે બેઠકમાં પરામર્શ થયો હતો. મુખ્યમંત્રીએ આ હેતુસર પ્રાદેશિક પ્રવાસન પ્રવૃત્તિનું કેન્દ્ર ધરોઇ બની શકે તેમ છે એમ પણ આ તકે જણાવ્યું હતું.