Site icon Revoi.in

અમદાવાદના સાબરમતી નદી પરના અટલબ્રિજ પર હવે ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

Social Share

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ પર મુલાકાતીઓનો ભીડ દિનપ્રતિદિન વધતી જાય છે.પરંતુ હવે મુલાકાતીઓ માટે સુવિધા સરળ કરવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. AMC દ્વારા ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લેનારા મુલાકાતીઓ માટે ઓનલાઈન ટીકિટ બુકિંગની વ્યવસ્થા શરૂ કરવાની વિચારણા શરૂ કરાઈ છે. આ માટેનું સોફ્ટવેર પણ તૈયાર કરાયું છે. અટલ ફુટ બ્રિજ નિહાળવા માટે ઓનલાઈન બુકિંગની સુવિધા શરૂ થઈ જાય તો મુલાકાતીઓને ટિકિટ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે. વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યા બાદ અત્યાર સુધી 4.25 લાખથી વધુ મુલાકાતીઓ અટલ બ્રીજની મુલાકાત લઈ ચુક્યા છે અને તંત્રને એક કરોડથી વધુની આવક પણ થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ ફૂટ ઓવર બ્રિજના ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 30 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 15 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે વિકલાંગો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. 31 ઓગસ્ટથી ટિકિટના દર લાગુ કરી દેવાયા છે. મુલાકાતીઓ ફૂટ ઓવરબ્રિજ ઉપર માત્ર 30 મિનિટ જ ફરી શકશે .અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્ક જોવો હશે તો બાર વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 40 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 20 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ફૂટ ઓવર બ્રિજમાં સવારે 9:00 થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકાશે. અટલ ફૂટબ્રિજ રૂ. 74 કરોડના ખર્ચે બન્યો છે. હાલના ટ્રેન્ડને જોતાં રોજના અંદાજે 20થી 25 હજાર લોકો તો આવશે જ. એ મુજબ ગણતરી કરીએ તો, દૈનિક અંદાજે રૂ. 6 લાખની આવક થઇ શકે. આ પ્રમાણે મહિને રૂ. બે કરોડ આસપાસ થઇ શકે છે અને 3 વર્ષમાં બ્રિજનો ખર્ચ નીકળી જશે.(file photo)