Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન કોર્ષ ભણાવાશે, પ્રથમ વર્ષે ફી નહીં,

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી નવા શૈક્ષણિક સત્રથી  ઓનલાઇન કોર્ષ શરૂ કરાશે. આ ઓનલાઇન કોર્ષ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવશે.  ઓનલાઇન કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષ ફ્રીમાં ભણાવવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થા સાથે MOU કર્યા છે.  જે સંસ્થાના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ કોર્ષ ચલાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહિનાઓ પહેલા ઓનલાઇન ઓનડિમાન્ડ કોર્ષ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, હવે નવા શૈક્ષણિક સત્રથી વિવિધ ઓનલાઈન કોર્ષ શરૂ કરવામાં આવશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓ ઈચ્છે ત્યારે પ્રવેશ મેળવી શકશે અને ગમે તે સમયે તૈયારી કરી પરીક્ષા આપી શકશે. વિશ્વના કોઈપણ ખૂણે બેસીને વિદ્યાર્થીઓ આ કોર્સમાં અભ્યાસ કરી શકશે, જેમાં ઓનલાઇન પ્રવેશ,પરીક્ષા અને પરિણામ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને આ કોર્ષ પૂરો કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી પણ આપવામાં આવશે. જે લોકો નોકરી કરી રહ્યા હોય અને ભણવાની ઈચ્છા હોય એવા લાકો પણ ઓનલાઈન ભણી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડતી ઓસ્ટ્રેલિયાની એક સંસ્થા સાથે MOU કર્યા છે, જે સંસ્થા સાથે મળી યુનિવર્સિટી ઓનલાઇન કોર્ષ ભણાવશે. આ સંસ્થા વિશ્વની 122 યુનિવર્સિટીને ઓનલાઇન પ્રોગ્રામ આપી રહી છે. આ ઓનલાઇન કોર્ષ એક વર્ષ માટે ટ્રાયલ પર ચાલશે, જેમાં સંસ્થા દ્વારા એક વર્ષ માટે યુનિવર્સિટી પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહિ. જેથી, યુનિવર્સિટી પણ શરૂઆતનું એક વર્ષ વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી વસૂલશે નહિ.