Site icon Revoi.in

વિપક્ષ એકતા: મમતા બેનરજી, માયાવતી અને અરવિંદ કેજરિવાલના અલગ સૂરથી વિપક્ષી પાર્ટીઓમાં ચિંતા

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપાને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષીપક્ષો દ્વારા વિપક્ષ એકતાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 23 જૂને બિહારની રાજધાની પટનામાં બિન-ભાજપ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલથી લઈને કેજરીવાલ અને મમતાથી લઈને અખિલેશ સુધી લગભગ 15 વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ તમામ પક્ષો માત્ર એક જ ઉદ્દેશ્ય સાથે એકસાથે આવ્યા હતા, વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની વર્તમાન સરકારને હરાવવા માટે મજબૂત વિપક્ષ તૈયાર કરવાનો પ્રયાસ કરવાનો હતો.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો ભારતીય જનતા પાર્ટીને ‘એક છે બે’ ફોર્મ્યુલાથી પડકાર ફેંકશે. જેનો અર્થ એ થયો કે 450 લોકસભા સીટો પર વિપક્ષ ભાજપના ઉમેદવાર સામે માત્ર એક જ ઉમેદવાર ઉતારશે. જો કે, આ બધાની વચ્ચે વિપક્ષી પાર્ટીઓ માટે સૌથી મોટો પડકાર તેમના પરસ્પર મતભેદો ભૂલીને સાથે મળીને મેદાનમાં ઉતરવાનો રહેશે. પટનામાં યોજાયેલી બેઠકમાં પણ આ પક્ષો વચ્ચે એકબીજા પ્રત્યે નારાજગી સ્પષ્ટ જોવા મળી હતી. એક તરફ જ્યાં મમતા બેનર્જીએ પોતાના રાજ્યમાં કોંગ્રેસના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે, તો બીજી તરફ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી દિલ્હીમાં કેન્દ્રના વટહુકમ સામે વિરોધ પક્ષોનું સમર્થન નહીં મળે ત્યાં સુધી તેઓ વિરોધ કરશે. એટલું જ નહીં, આ બેઠકમાં BSPએ ભાગ લીધો ન હતો. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે માયાવતી અને મમતા બેનર્જી જેવા મોટા નેતાઓ વિપક્ષી એકતામાં રસ કેમ નથી દાખવી રહ્યા, મમતા બેનર્જીની ભાજપ સામેની ફોર્મ્યુલા શું છે?

પટનામાં આ બેઠક પહેલા માયાવતી જાહેર મંચ પર ઘણી વખત કહી ચુક્યા છે કે તેઓ વર્ષ 2024માં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. આ જ કારણ છે કે કોઈપણ નેતાએ ઔપચારિક કે અનૌપચારિક રીતે માયાવતીનો સંપર્ક કર્યો નથી. જોકે, માયાવતીના તાજેતરના નિવેદનો પરથી લાગે છે કે હવે બસપાના વડાનું મન બદલાવા લાગ્યું છે. બસપા વિપક્ષી એકતા પર નજર રાખી રહી છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હાલમાં એક વર્ષ બાકી છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ભાજપને કોઈ પણ સંજોગોમાં જીતવા દેવા માંગતી નથી, અને ભાજપને નબળો પાડવા માટે બિનશરતી સમર્થન મેળવવા માંગે છે. આ સાથે તેમનું કહેવું છે કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં મજબૂત છે, આને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને અન્ય તમામ પાર્ટીઓએ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને સમર્થન આપવું જોઈએ.