Site icon Revoi.in

ગાંધીનગરમાં નવી બની રહેલી પ્રાંત કચેરીના 20 કોલમ હલકી કક્ષાના હોય તોડી પાડવાનો આદેશ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં તાજેતરમાં નવા બનાવેલા પુલોમાં ગાબડાં પડવાના બનાવે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી હતી. ત્યારે સરકાર દ્વારા જ હવે નવા બની રહેલા સરકારી બાંધકામોની યોગ્ય ચકાસણીના આદેશ અપાયા છે. ગાંધીનગરના સેક્ટર-11માં રૂપિયા 14 કરોડના ખર્ચે પ્રાંત કચેરીના નિર્માણની કામગીરી ચાલી રહી છે ત્યારે ચાલુ કામગીરીએ જ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવતા અંદાજે 20 જેટલા કોલમની કામગીરી નબળી હોવાનું માર્ગ મકાન વિભાગે કરાવેલા લેબોરેટરી ટેસ્ટીંગમાં બહાર આવ્યું હતું. આથી માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને નોટીસ ફટકારી થયેલું બાંધકામ તોડીને નવેસરથી સંપૂર્ણ કચેરી ગુણવત્તાયુક્ત સાથેના મટીરીયલથી બનાવવા આદેશ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં 14 કરોડના ખર્ચે પ્રાત કચેરીના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. પ્રાંત કચેરીના નિર્માણ માટે 104 કોલમનું બાંધકામ કરવામાં આવશે. આ કામગીરી પાટનગર યોજના વિભાગ દ્વારા નિમેલી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ બિલ્ડીંગના નિર્માણની હજુ માંડ 25 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે માર્ગ મકાન વિભાગે બિલ્ડીંગના બાંધકામની ચકાસણી કરતા પ્રાથમિક તબક્કે નબળી હોવાનું બહાર આવ્યું હતું. આથી માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રાંત કચેરીના થયેલા બાંધકામનું લેબોરેટરી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બિલ્ડીંગના નિર્માણમાં વપરાતા કોક્રિંટ સિમેન્ટ, કપચી, રેતી સહિતનું પણ ટેસ્ટીંગ કરાવવામાં આવ્યું હતું. તેમાં નબળી ગુણવત્તાવાળુ કોક્રિંટ મટીરીયલ હોવાનું લેબોરેટરી ટેસ્ટીંગમાં બહાર આવ્યું હતું. નબળા કોંક્રેટ મટીરીયલમાંથી સીડીના નિર્માણના દસ કોલમ બનાવી દેવામાં આવ્યા હતા. આથી આ તમામ કોલમોને તોડીને એજન્સીના ખર્ચે બનાવવાનો આદેશ કર્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નવા બાંધકામોમાં કોંક્રિટ ટેસ્ટીંગની કામગીરી સમયસર કરવામાં આવે તો આવી રીતે પાછળથી સમયનો વ્યય થતો અટકી શકે અને સમયસર કામગીરી પણ પૂર્ણ થાય. માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.બી.વસાવાએ કહ્યું કે ચકાસણી દરમિયાન મટીરીયલની ગુણવત્તા નબળી જણાતા કોન્ટ્રાક્ટરને થયેલું બાંધકામ તોડીને તેના ખર્ચે જ નવું બનાવવા સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાને બદલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાંધકામ તોડીને નવેસરથી કરવાની સૂચના આપવામાં આવી છે. ભલે તેમાં સરકારનો વધારાનો કોઇ ખર્ચ થવાનો નથી પરંતુ આ કામગીરી એક વર્ષથી ચાલે છે તે બાંધકામ તોડીને નવું બનાવવામાં આવશે તો તેમાં તેટલો સમય વધુ લાગશે અને પ્રોજેક્ટમાં વિલંબ થશે.