Site icon Revoi.in

ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં ઓર્ગેનિક ખેતીની જમીનમાં એક ઈંચનો પણ વધારો થયો નથીઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ  ગુજરાત સરકારની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. લોકસભામાં અપાયેલા જવાબ મુજબ છેલ્લા 6વર્ષમાં ઓર્ગેનિક ખેતીની જમીનમાં એક ઇંચનો પણ વધારો થયો નથી. ભાજપ સરકાર દ્વારા દર વર્ષે ઓર્ગેનિક ખેતીના નામે બજેટમાં કરોડો ની જાહેરાત થાય છે પણ ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ ગયા છે. સમગ્ર ગુજરાત માં આશરે 9600000  હેક્ટર જમીનમાં ખેતી થાય છે તેમાં માત્ર 32092.51 હેક્ટર જમીનમાં ઓર્ગેનિક ખેતી થઈ રહી છે એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014-15માં 30,092 હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી થતી હતી, તેમાં વર્ષ  2015-2016માં 2000 હેક્ટરનો વધારો થયો હતો ત્યારબાદ 2016 થી2022 સુધીમાં ઓર્ગેનિક ખેતીની જમીનમાં એક ઇંચ નો પણ વધારો થયો નથી. કેન્દ્ર સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના લોન્ચ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માં પોતાની ઓર્ગેનિક ખેતી નીતિ ભૂતકાળમાં લાગુ કરવા માં આવી હતી, જે હાલમાં ખેડૂતો ને ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષવા માં નિષ્ફળ ગઇ છે.  સમગ્ર દેશમાં 10,27,865 ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો છે, જ્યારે તે લીસ્ટમાં ગુજરાતના એક પણ ખેડૂત નથી. શું ગુજરાત ના ખેડૂતો પીકેવીવાય  યોજનાના લાભાર્થી નથી? આ યોજના  હેઠળ વર્ષ  2021-2022 દરમિયાન દેશ માં 8184.81 કરોડ રિલીઝ કરવામાં આવ્યા પણ ગુજરાતને શૂન્ય રૂપિયા આપવામાં આવ્યાં છે.

લોકસભાના જવાબ મુજબ આ યોજના હેઠળ  છેલ્લા બે વર્ષ 2020-21 અને 2021-22  માં ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીના ખેડૂતો ને આકર્ષવા માટે કે પ્રોત્સાહિત કરવા એક પણ પૈસો વાપરવામાં આવ્યો નથી. ગુજરાત સરકાર મોટી જાહેરાતો તો કરી નાખે છે પણ અમલીકરણમાં મીંડું હોય છે. ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી યુનિવર્સિટીની 6 વર્ષ પેહલા જાહેરાત કરવામાં આવી હતી, તેમાં પણ માત્ર એક કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. ખેડૂત લક્ષી જાહેરાતોથી ખેડૂતોનું ભલુ નહીં થાય, સાચા અર્થમાં ખેડૂતો માટેની નીતિ નિયત સાથેના અમલીકરણથી જ શક્ય બની શકે છે એવું તેમણે ઉમેર્યું હતું.

Exit mobile version