Site icon Revoi.in

ગુજરાતમાં 1.32 કરોડ પરિવારોમાંથી 72 લાખ પરિવારો અનાજ લેવા લાઈનોમાં ઊભા રહે છેઃ કોંગ્રેસ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારે 156ની બહુમતિવાળી સરકાર હોય,  ડબલ એન્જીન હોય, અને બજેટ રજુ કરવામાં આવ્યું હોય તો પણ ગુજરાતની ગૃહિણીઓને 450 રૂપિયામાં ગેસની બોટલ ન મળ્યો. ગુજરાતીઓને ફક્ત રાજસ્થાન સરકારની ગેસના બાટલાની જાહેરાતો જોઇને ખુશ થવું પડે છે. સરકારના કાલ્પનિક આંકડાઓથી વધતા GDPમાં જનતાને રસ નથી.  પ્રજા GDP – એટલે,  ગેસ – ડીઝલ – પેટ્રોલના વધતા ભાવોને કારણે જનતા બેહાલ છે. ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જીન છે, ડબલ એન્જીન સરકાર છે, છતાં પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના વડપણ હેઠળ નોકરી – ધંધા – રોજગાર – નીતિઓના અભાવે અને ડબલ એન્જીનના ધુમાડાને કારણે ગુજરાતના કુલ 1.32 કરોડ પરિવારોમાંથી 72 લાખ પરિવારો દર મહીને બે ટંક ભોજન માટે અનાજ લેવા લાઈનોમાં ઉભી રહે છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. તેની પાછળનું મોટું કારણ બેરોજગારીને કારણે ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યા છે,  કચ્છ ડ્રગ્સના લેન્ડિંગ હબ તરીકે બની ગયું છે. “ઉડતા ગુજરાત” બનવા તરફ રાજ્ય આગળ વધી રહ્યું છે. તેની ચિંતા સૌને છે. છેલ્લા 5 વર્ષ (2018-2022) માં ગુજરાતમાં 93,000 કિલો ડ્રગ્સ પકડાયું. રાજ્યમાં 19 લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ચુક્યા છે. 17 લાખ પુરુષો સામે બે લાખ મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. દીકરા – દીકરીઓની દરેક પરિવાર ચિંતામાં હોય તેવી સ્થિતિ ગુજરાતમાં છે. હવે ગીફ્ટસિટીના નામે સરકાર દારૂબંધી હળવી કરી સરકાર હવે વિકાસના નામે પાછલા બારણે દારૂબંધીમાં છુટ્ટી આપવાની શરૂ કરી છે.

રાજ્યમાં ઊભી થયેલી બેરોજગારીની સ્થિતિની વાસ્તવિકતા તરફ ધ્યાન આપતા જોવા મળ્યું કે રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણ થયું છે.  મોંઘુ શિક્ષણ મેળવી લાખો યુવાનો, બેરોજગારો, સરકારમાં લાખો પદ ખાલી હોવા છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી,  રાજ્યમાં ચોતરફ વહીવટદાર રાજ ચાલી રહ્યું છે જેમાં છેલ્લા 1.5 વર્ષથી ચૂંટણીઓ નથી થતી. ઝવેરી કમીશનનો રીપોર્ટ આવ્યો – કાયદો પણ બન્યો પણ મળતીયા વહીવટદારોથી શાસન કરવાની ફાવટ વાળી આ સરકાર ચૂંટાયેલા લોકોને બદલે વહીવટદારોથી વહીવટ કરી રહી છે. આને પરિણામે 5000 ગ્રામ પંચાયતો,75 નગરપાલિકાઓ, 18 તાલુકા પંચાયતો અને બે જિલ્લા પંચાયતની અનેક બેઠકોની પેટા ચૂંટણીઓ નથી થઇ જેમાં સરકાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રજાના પ્રતિનિધીઓને ઘરે બેસાડી વહીવટદારોનું રાજ ચલાવે છે.