Site icon Revoi.in

ગુજરાત સરકારનો આઉટસોર્સથી ચાલતો વહિવટ, જગ્યાઓ ખાલી છતાંયે ભરતી કરાતી નથીઃ NSUI

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં  ભાજપ સરકાર લાંબાસમય સુધી ભરતી કરતી નથી અને બીજીબાજુ અચાનક જ શૈક્ષણિક લાયકાતને બદલી નાખે છે, તેનાથી ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને અન્યાય થાય છે. સરકાર રોજગારી આપીને બેરોજગારી આંક ઘટાડવા નથી માગતી પણ શૈક્ષણિક લાયકાતો બદલીને બેરોજગારી આંકડો ઘટાડવા માંગે છે. તેમ ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા કરાતી દરેક ભરતીમાં કૌભાંડો, પેપરો ફુટવા, મેરીટમાં ગોલમાલ ડમી ઉમેદવારો પકડાવવા એ સામાન્ય થઈ ગયું છે, તલાટી કમમંત્રીની ભરતી જે તે સમયમાં ભ્રષ્ટાચારની એ.બી.સી.ડી. હતી. આ એ ભાજપ સરકાર છે કે જે તલાટીની ભરતીમાં 15-15 લાખ ભાવ બોલાતો હતો. સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતીઓ વારંવાર પરીક્ષા રદ થતાં  સમય-શક્તિ અને ખર્ચ સાથે આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે. સરકારના વિવિધ વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ છે. ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકારમાં આઠ-દસ વર્ષથી નિવૃત થયેલા અધિકારીઓ-કર્મચારીઓ મહત્વના પદ પર અડીંગો જમાવી બેઠા છે.  સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓએ ભરડો લીધો છે. જ્યારે બીજી બાજુ સરકારના વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં  શિક્ષણ વિભાગમાં 32000 શિક્ષકો સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટા ભાગના વર્ગ-3 અને 4ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગથી ચાલી રહ્યાં છે. રાજ્યના મહેસુલ વિભૉગમાં 6  હજારથી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટીની જવાબદારી સંભાળે છે. વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.  રાજ્યની વસ્તીમાં વધારો થયો પણ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી- સંત્રી સાથેની ગોઠવણના લીધે  આઉટ સોર્સિંગ- કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે.