Site icon Revoi.in

અમદાવાદમાં બે વર્ષ દરમિયાન વૃક્ષારોપણ માટે 16 કરોડથી વધુ ખર્ચ કરાયો, 891 વૃક્ષો કપાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં ગ્રીન કવર વધારવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. દર ચોમાસા દરમિયાન હજારોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. પરંતુ વૃક્ષો વાવ્યા બાદ તેની યોગ્ય માવજત ન કરવાને કારણે મોટાભાગના વાવેલા વૃક્ષો મુરઝાઈ જાય છે. આ ઉપરાંત વિકાસના નામે લીલાછમ વૃક્ષોનું પણ આડેધડ છેદન થઈ રહ્યું છે. આમ શહેરની વસતીના પ્રમાણમાં વૃક્ષો પુરતા ન હોવાને લીધે ઉનાળામાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડે છે.

અમદાવાદ શહેરને હરિયાળું અને લીલુંછમ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે છે. મિશન મિલિયન ટ્રી અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને વૃક્ષારોપણ કરવામાં આવે છે છતાં પણ શહેરમાંથી વિવિધ વિસ્તારોમાંથી વિકાસના નામે વૃક્ષો કાપવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં 891 જેટલા નડતરરૂપ અને ભયજનક વૃક્ષો કાપવામાં આવ્યા હતા. એકતરફ ઓક્સિજન પાર્ક અને ગાર્ડન બનાવી તેમાં હજારો વિવિધ પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વિકાસના નામે નડતરરૂપ વૃક્ષો કાપવામાં આવે છે જેને લઇ પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે. વર્ષ 2021-22માં 871 જેટલા ઝાડ વિવિધ ડેવલપમેન્ટ માટે નડતરરૂપ અને ભયજનક હોય તેવા દૂર કરવામાં આવ્યા હતો. કરોડોનો ખર્ચ કરી નવા વૃક્ષો ઉગાડવામાં આવે છે અને બીજી તરફ આવા લીલાછમ વૃક્ષોને દૂર કરી અને ત્યાં બિલ્ડીંગ બનાવવા કે રોડ બનાવવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતામાંથી મળતી માહિતી મુજબ વર્ષ 2021-22 અને 2022-23માં મિલિયન ટ્રી અંતર્ગત રોપા મેળવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેના માટે 2021-22માં 7.39 કરોડ અને 2022-23માં 9.02 કરોડનો ખર્ચ કરી અને રોપા મેળવવામાં આવ્યા હતા અને વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ તેમજ મફતમાં વૃક્ષો આપવામાં આવ્યા હતા.