Site icon Revoi.in

સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટિસના દર્દીઓને મ્યુકોરમાઈકોસિસનું જોખમ વધુ

Social Share

અમદાવાદઃ કોરોના બાદ હવે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધી રહ્યો છે. સુરત, મોરબી જેવા અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. વડોદરા શહેરમાં છેલ્લાં 50 દિવસમાં આ ગંભીર બીમારીના 100 કેસ નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસના કારણે શહેરમાં 20 દર્દીઓના મોત થયા છે. સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટીસનાના દર્દી માટે મ્યુકોરમાઈકોસિસ વધુ જોખમી સાબિત થાય છે. 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ  માટે આજથી અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. હોસ્પિટલના મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે, જેથી તેઓ આ ગંભીર બીમારીનો શિકાર ન બને. સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી રહી છે. તેના કેસ પણ વધી રહ્યાં છે. તેથી રાજકોટનું તંત્ર સતર્ક બન્યું છે.  બીજી તરફ, રેમડેસિવિર બાદ હવે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની પણ માર્કેટમાં અછત જોવા મળી છે. રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનની અછત સામે આવી છે. સતત કેસ વધવાથી આ બીમારીમાં ઉપયોગી એવા એમફોમોલ ઇન્જેક્શનની અછત સર્જાઈ છે. તેનુ ઈન્જેક્શન 1700 રૂપિયાનું આવે છે. કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે, નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે. ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ સિવિલમાં 20 ટકા જેટલો છે.