Site icon Revoi.in

દુષ્પ્રચાર કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાનના મોંઢામાંથી નીકળી સચ્ચાઈ, જમ્મુ-કાશ્મીરને માન્યું ભારતીય રાજ્ય

Social Share

પાકિસ્તાને જિનેવામાં યુએનએચઆરસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તો પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો માન્યો છે. યુએનએચઆરસીમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે. અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાનનો ચચરાટ ખુલીને સામે આવી ગયો છે. તે દરેક મંચ પર ભારતને ઘેરવાની કોશિશો કરી રહ્યું છે. પણ તેને સતત પછડાટ મળી રહ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન પણ વાત-વાતમાં સચ્ચાઈ બોલી ગયા. તેમનો એક વીડિયો સામે આવ્યો છે.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે ભારત દુનિયાને એ દર્શાવવા ચાહે છે કે કાશ્મીરમાં જીવન ફરીથી સામાન્ય થઈ ગયું છે. જો આમ થાય છે, તો ભારત પોતાના જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા, એનજીઓ અને સિવિલ સોસાયટીઝને જવા કેમ દેતું નથી, જેથી તે ત્યાંની સ્થિતિ જોઈ શકે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકર પરિષદમાં પાકિસ્તાને ફરીથી રાગ કાશ્મીર આલાપ્યો છે. વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ પાયાવિહોણા આરોપ લગાવતા કહ્યુ છે કે કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને યુએનએચઆરસી માનવાધિકાર ઉલ્લંઘન પર ધ્યાન આપે. પાકિસ્તાને આના સંદર્ભે સંયુક્ત તપાસ સમિતિની રચનાની માગણી કરી છે.

પાકિસ્તાને યુએનએચઆરસીને કહ્યું છે કે તે કાશ્મીરના મુદ્દા પર ચુપ બેસે નહીં. બેઠક દરમિયાન પાકિસ્તાને કહ્યું છે કે ભારતે કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી દીધો છે. તેમણે કાશ્મીરને દુનિયાની સૌથી મોટી જેલ ગમાવતા માનવાધિકારોનું કબ્રસ્તાન ગણાવી દીધું છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ-370ને અસરહીન કરાયા બાદ કાશ્મીરમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ ભારત સરકારે એક કરતા વધારે વખત સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના દોરીસંચાર હેઠળ કાશ્મીરમાં અશાંતિ ફેલાય શકે નહીં, તેના માટે આ પ્રતિબંધોને લગાવવામાં આવ્યા છે અને સ્થિતિના હિસાબથી તેમા હવે ઢીલ પણ અપાઈ રહી છે.