Site icon Revoi.in

પાકિસ્તાન પાસે માત્ર 5 દિવસનો જ ક્રૂડ ઓઈલ સ્ટોક બાકી, પેટ્રોલિયમ મંત્રીએ ભારતની કરી પ્રશંસા

Social Share

ઈસ્લામાબાદ, 28 એપ્રિલ 2026: પડોશી દેશ પાકિસ્તાન તેના ઈતિહાસના સૌથી ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે એક ડરામણી ચેતવણી આપતા જણાવ્યું છે કે, દેશ પાસે હવે માત્ર પાંચથી સાત દિવસનો જ ક્રૂડ ઓઈલનો સ્ટોક બચ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને લાલ સમુદ્રમાં સર્જાયેલા સંકટને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ જતાં પાકિસ્તાન હવે અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે.

પેટ્રોલિયમ મંત્રી મલિકે પાકિસ્તાનની લાચારી વ્યક્ત કરતા ભારતની રણનીતિક ક્ષમતાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. તેમણે સ્વીકાર્યું કે, “પાકિસ્તાન પાસે કોઈ મજબૂત ઓઈલ રિઝર્વ નથી. અમે ભારતની જેમ સક્ષમ નથી. ભારત માત્ર એક સહી કરીને પોતાના રિઝર્વમાંથી 60 થી 70 દિવસ ચાલે તેટલું તેલ રિલીઝ કરી શકે છે, જ્યારે પાકિસ્તાન પાસે એક દિવસનો પણ વધારાનો સ્ટોક નથી.”

પાકિસ્તાન માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન અને રશિયા પાસેથી તેલ ખરીદીમાં આપવામાં આવેલી છૂટ હવે લંબાવવામાં આવશે નહીં. અમેરિકાએ ઈરાન પર અસરકારક રીતે નાકાબંધી કરી હોવાથી ત્યાંથી તેલની સપ્લાય અટકી ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે પાકિસ્તાન પાસે હવે તેલ મેળવવાના તમામ રસ્તાઓ બંધ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

જો આગામી થોડા દિવસોમાં તેલનો નવો જથ્થો પાકિસ્તાન નહીં પહોંચે તો પેટ્રોલ-ડીઝલના અભાવે વાહનવ્યવહાર પૂરો થઈ શકે છે. તેમજ કાચા માલ અને ઉર્જાના અભાવે ફેક્ટરીઓ બંધ થઈ શકે છે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલની અછતને કારણે રિફાઈનરીઓ બંધ થવાની અણી પર છે, જેની સીધી અસર વીજ ઉત્પાદન પર પડશે.

મંત્રી મલિકના જણાવ્યા અનુસાર, ઈરાન અને અમેરિકા વચ્ચેનો વધતો ભૂ-રાજકીય તણાવ વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતા પેદા કરી રહ્યો છે. પાકિસ્તાન સરકાર અત્યારે મર્યાદિત સંસાધનો વચ્ચે પોતાની સ્ટોરેજ ક્ષમતા વધારવા સંઘર્ષ કરી રહી છે, પરંતુ સમય ઘણો ઓછો છે.

આ પણ વાંચોઃ પંજાબમાં રેલવે ટ્રેક ઉડાવવાનું કાવતરું: રાજપુરા-શંભુ બોર્ડર પાસે આઈઈડી બ્લાસ્ટ, એકનું મોત

Exit mobile version