Site icon Revoi.in

અફઘાનિસ્તાનના વિવિધ શહેરોમાં પાકિસ્તાનને ફરી કર્યાં હવાઈ હુમલા, 4 નાગરિકોના મોત

Social Share

કાબુલ, 13 માર્ચ 2026: એક તરફ મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ વિશ્વને ચિંતામાં મૂકી રહ્યો છે, ત્યારે પડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા આક્રમક હવાઈ હુમલાઓએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશની નવી ઊંચાઈઓ સ્થાપિત કરી છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા અને પક્ટિકા સહિતના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓમાં રહેણાંક વિસ્તારોને પણ ટાર્ગેટ કરવામાં આવતા સામાન્ય નાગરિકોના ઘર તબાહ થઈ ગયા છે. અહેવાલો અનુસાર, આ ભીષણ હુમલામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાકિસ્તાની સેનાએ કંધાર એરપોર્ટ નજીક આવેલા ‘કામ એર’ના ઈંધણ ડેપોને પણ નિશાન બનાવ્યું છે. નોંધપાત્ર છે કે, આ ડેપો માત્ર નાગરિક ઉડ્ડયન જ નહીં, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના વિમાનોને પણ ઈંધણ પૂરું પાડે છે, જેને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી અત્તાઉલ્લા તરારના જણાવ્યા અનુસાર, 26 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન ગજબ-લિલ-હક’ અંતર્ગત પાકિસ્તાની દળોએ અફઘાન તાલિબાનના 641 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને 855થી વધુ ઘાયલ થયા છે. પાક સરકારે દાવો કર્યો છે કે તેમણે અફઘાનિસ્તાનની 243 ચોકીઓનો નાશ કર્યો છે અને 219 જેટલા ટેન્ક તથા બખ્તરબંધ વાહનોને તોડી પાડ્યા છે.

ગત ઓક્ટોબરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના વળતા જવાબમાં અફઘાનિસ્તાને ગયા મહિને સરહદ પરના 53 સ્થળોએ હુમલા કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને ‘આતંકવાદ રોકવામાં નિષ્ફળતા’નો આરોપ લગાવીને આ લશ્કરી અભિયાન છેડ્યું છે. 2,611 કિમી લાંબી સરહદ પર છેલ્લા કેટલાક સમયથી સતત ચાલી રહેલા આ સંઘર્ષને કારણે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ છે અને માનવીય સંકટ ઊભું થવાની આશંકા સેવાઈ રહી છે.

Exit mobile version