ઇસ્લામાબાદ, 26 મે 2027: અમેરિકાને ખુશ કરવાના પ્રયાસોમાં લાગેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ આસિમ મુનીર સામે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી શરત મૂકી દીધી છે, જેનાથી પાકિસ્તાનના શાસકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાન સહિત પાંચ દેશો પાસે ‘અબ્રાહમ કરાર’ પર હસ્તાક્ષર કરવાની માંગ કરી છે.
અમેરિકાની આ કડક શરત પર પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ ભડક્યા છે અને તેમણે અમેરિકાને બેટૂક જવાબ આપી દીધો છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઇસ્લામાબાદને અબ્રાહમ કરારમાં સામેલ કરીને ઇઝરાયેલ સાથેના સંબંધો સામાન્ય કરવાના બિલકુલ પક્ષમાં નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે વાતચીતમાં સામેલ તમામ મુસ્લિમ દેશોએ અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન પહેલેથી જ આ કરારના સભ્યો છે. હવે અમેરિકા ઈચ્છે છે કે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત અને જોર્ડન પણ આ કરાર પર હસ્તાક્ષર કરે. આ કરાર મુખ્યત્વે ઇઝરાયેલ અને આરબ-મુસ્લિમ દેશો વચ્ચે રાજદ્વારી, આર્થિક અને સુરક્ષા સંબંધો સ્થાપિત કરવા માટેનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના મતે, આ કરારમાં સામેલ દેશોને ઘણો ફાયદો થયો છે અને ભવિષ્યમાં આનાથી પણ વધુ આર્થિક અને વ્યૂહાત્મક ફાયદા થઈ શકે છે. જોકે, પાકિસ્તાનની પ્રખ્યાત ન્યૂઝ ચેનલને આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનનો પક્ષ રાખતા કહ્યું કે, વ્યક્તિગત રીતે મને નથી લાગતું કે આપણે (પાકિસ્તાને) એવા કોઈ કરારમાં સામેલ થવું જોઈએ જે અમારી મૂળ વિચારધારા અને સિદ્ધાંતોની વિરુદ્ધ હોય.
પશ્ચિમી દેશોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યાં
પાકિસ્તાનના રક્ષામંત્રીએ વધુમાં ઉમેર્યું કે તેમનો દેશ લાંબા સમયથી એક જ વલણ પર અડગ છે. જ્યાં સુધી 1967 પહેલાની સરહદોના આધારે પૂર્વ જેરૂસલેમને રાજધાની બનાવીને એક સ્વતંત્ર પેલેસ્ટાઈન રાષ્ટ્રની સ્થાપના ન થાય, ત્યાં સુધી પાકિસ્તાન ઇઝરાયેલને ક્યારેય માન્યતા આપશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમારું વલણ બિલકુલ સાફ છે કે આ પ્રસ્તાવ અમને સ્વીકાર્ય નથી.” ખ્વાજા આસિફે ઇઝરાયેલ અને પશ્ચિમી દેશોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા પૂછ્યું, “તમે એવા લોકો સાથે ટેબલ પર કેવી રીતે બેસી શકો જેમના શબ્દો પર રત્તીભર પણ ભરોસો ન કરી શકાય?”
તેમણે પાકિસ્તાની પાસપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો, જેના પર સ્પષ્ટ લખેલું છે કે ‘આ પાસપોર્ટ ઇઝરાયેલની યાત્રા માટે માન્ય નથી’. ખ્વાજા આસિફ પાકિસ્તાનના એવા નેતાઓમાં અગ્રેસર છે જેઓ ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવાના કોઈપણ વિચારનો સખત વિરોધ કરે છે. ગત મહિને જ તેમણે ઇઝરાયેલને ‘માનવતા માટે અભિશાપ’ ગણાવ્યું હતું અને તેના પર ગાઝા પટ્ટીમાં નરસંહાર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ શ્રેષ્ઠ, સંસ્કારી અને રાષ્ટ્રનિષ્ઠ સંતાનોનો નિર્માણ કરવું પ્રત્યેક પરિવારનું કર્તવ્ય છે: શાંતા અકકાજી

