Site icon Revoi.in

પાકિસ્તાને અમેરિકાને અંધારામાં રાખીને ઈરાની સૈન્ય વિમાનોને ગુપ્ત રીતે આપ્યો આશ્રય !

Social Share

વોશિંગ્ટન, 12 મે 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવની વચ્ચે પાકિસ્તાનની ભૂમિકાને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકી મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને ઈરાની સૈન્ય વિમાનોને પોતાના એરબેઝ પર ઉભા રહેવાની મંજૂરી આપી હતી, જેથી તેઓ અમેરિકાના સંભવિત હવાઈ હુમલાઓથી બચી શકે. જોકે, પાકિસ્તાન સરકારે આ ગંભીર આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

અમેરિકી ન્યૂઝ ચેનલે ઉચ્ચ અધિકારીઓના હવાલેથી અહેવાલ આપ્યો છે કે, એપ્રિલ મહિનામાં જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી, તે ગાળામાં ઈરાને પોતાના અનેક સૈન્ય વિમાનો પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર મોકલ્યા હતા. આ વિમાનોમાં અત્યાધુનિક જાસૂસી અને ગુપ્ત માહિતી એકત્ર કરનાર વિમાનનો પણ સમાવેશ થાય છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, પાકિસ્તાની ધરતીનો ઉપયોગ ઈરાની લશ્કરી સંપત્તિને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાને તમામ આરોપોને નકારી કાઢ્યા

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાને માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ તેના કેટલાક નાગરિક વિમાનો અફઘાનિસ્તાનમાં પણ મોકલ્યા હતા. અફઘાન અધિકારીઓના જણાવ્યા મુજબ, ઈરાનની એક વિમાન યુદ્ધની આશંકા વચ્ચે કાબુલ પહોંચ્યું હતું. ઈરાની એરસ્પેસ બંધ થયા બાદ આ વિમાન ત્યાં જ રોકાઈ ગયું હતું અને બાદમાં તેને ઈરાન સરહદ નજીક હેરાત એરપોર્ટ પર ખસેડવામાં આવ્યું હતું.

આ અહેવાલો બહાર આવતા જ અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રાહમે પાકિસ્તાનની બેવડી નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. ગ્રાહમે જણાવ્યું હતું કે, “જો આ અહેવાલો સાચા સાબિત થશે, તો અમેરિકાએ ઈરાન અને અન્ય દેશો વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા પર ગંભીરતાથી પુનઃવિચાર કરવો પડશે.” તેમણે ઉમેર્યું કે પાકિસ્તાની સંરક્ષણ અધિકારીઓના ભૂતકાળના નિવેદનો જોતા તેમને આ સમાચારથી કોઈ નવાઈ લાગી નથી.

બીજી તરફ પાકિસ્તાને આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે, “નૂર ખાન એરબેઝ શહેરની મધ્યમાં આવેલું છે. ત્યાં આટલી મોટી સંખ્યામાં વિમાનો છુપાવવા શક્ય નથી, કારણ કે સામાન્ય લોકોની નજર ત્યાં સરળતાથી પડી શકે છે.” રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની સૈન્ય જરૂરિયાતો માટે ચીન પરની નિર્ભરતા સતત વધી રહી છે. સિપ્રીના રિપોર્ટ મુજબ, 2020 થી 2024 વચ્ચે પાકિસ્તાને ખરીદેલા 80 ટકા હથિયારો ચીન પાસેથી આવ્યા છે. ચીન અને ઈરાન બંને સાથે ગાઢ સંબંધો હોવાથી, પાકિસ્તાન આ સમગ્ર સંકટમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું નિષ્ણાતો માને છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે

Exit mobile version