બ્રુકલિન, 5 માર્ચ, 2026: એક પાકિસ્તાની નાગરિકે અમેરિકાની અદાલતમાં કબુલાત કરી છે કે પોતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડનની હત્યાના કાવતરામાં સામેલ હતો. જોકે, આ પાકિસ્તાનીએ એવું કહીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે કે આ કામગીરી તેને ઈરાને સોંપી હતી.
મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકાની એક અદાલતમાં પાકિસ્તાની નાગરિકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 47 વર્ષીય આસિફ મર્ચન્ટ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડનને મારવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. કોર્ટમાં આપેલા નિવેદનમાં આસિફે કહ્યું છે કે ઈરાનના જાસૂસોએ તેને આવું કરવા માટે મજબૂર કર્યો હતો. તેણે રડતાં રડતાં જણાવ્યું કે, “મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મેં મજબૂરીમાં આ કામ કર્યું.”
પાકિસ્તાની મૂળના મર્ચન્ટે બુધવારે બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં જ્યુરી સામે પોતાની કહાની સંભળાવી હતી. તે આતંકવાદ અને હત્યા માટે નાણાં લઈને કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ હેઠળ છે.
આસિફે કહ્યું, “મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મારો પરિવાર જોખમમાં હતો.” આસિફ મર્ચન્ટ અગાઉ બેંકમાં કામ કરતો હતો. તેણે કોર્ટને જણાવ્યું કે એપ્રિલ 2024 માં ઈરાનના એક હેન્ડલરે તેને અમેરિકા આવવા કહ્યું હતું. હેન્ડલરે કહ્યું, “કદાચ કોઈને મારવું પડશે.” શરૂઆતમાં નામ નહોતા આપ્યા, પરંતુ બાદમાં ત્રણ નામ જણાવ્યા – ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઈડન અને નિક્કી હેલી. તે સમયે ટ્રમ્પ અને બાઈડન 2024 ની ચૂંટણીના સૌથી મોટા ઉમેદવાર હતા. આસિફે જણાવ્યું કે તે પહેલાથી જ ઈરાનની મદદ કરી રહ્યો હતો અને તેના પર લાગેલા પ્રતિબંધોથી બચવા માટે મની લોન્ડરિંગનું કામ કરતો હતો.
પત્ની અને પુત્રી ઈરાનમાં રહે છે
આસિફ મર્ચન્ટનો હેન્ડલર ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો સભ્ય મેહરદાદ યુસુફ હતો. તેણે કહ્યું, “યુસુફે મારા પરિવાર પર દબાણ કર્યું. મારી પત્ની અને પુત્રી ઈરાનમાં રહે છે. એક દિવસ તે મારા ઘરે આવ્યો અને હથિયાર બતાવીને ધમકાવ્યો. મારો પરિવાર જોખમમાં હતો, તેથી મારે આ કરવું પડ્યું.” જૂન 2024 માં ક્વીન્સની એક મોટેલમાં થયેલી મુલાકાતનો વીડિયો કોર્ટમાં બતાવવામાં આવ્યો હતો. તેમાં આસિફે અંડરકવર FBI એજન્ટ્સને પૂછ્યું હતું કે, “આ ટાર્ગેટ છે. તે કેવી રીતે મરશે?” પરંતુ આસિફે કોર્ટમાં દાવો કર્યો હતો કે તે જાણતો હતો કે આ કાવતરું ક્યારેય સફળ થશે નહીં.
આસિફે કહ્યું, “મને ખબર હતી કે હું પકડાઈ જઈશ. હું સફળ થવા માંગતો ન હતો. મેં આ કામ મનથી કર્યું નથી.” તેણે એજન્ટ્સને 5000 ડોલર આપ્યા હતા. મર્ચન્ટે કહ્યું, “કોઈની હત્યા આટલા ઓછા પૈસામાં કોઈ કરતું નથી. આનાથી સાબિત થાય છે કે આ પ્લાન અસલી નહોતો. હું પહેલાથી જ પકડાઈ જવા માટે તૈયાર હતો. હું અમેરિકી સરકારને બધું જ જણાવવાનો હતો. હું ગ્રીન કાર્ડ માટે અરજી કરવા માંગતો હતો.” નોંધનીય છે કે આસિફની ઓગસ્ટ 2024 માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે પોતાને નિર્દોષ ગણાવી રહ્યો છે. જો તે આ કેસમાં દોષી સાબિત થશે તો તેને આજીવન કેદ થઈ શકે છે.

