Site icon Revoi.in

અરૂણાચલમાં પાકિસ્તાની જાસૂસી રેકેટનો પર્દાફાશઃ બે કાશ્મીરી ઝડપાયા

Social Share

ઈટાનગર, 23 ડિસેમ્બર 2025: અરૂણાચલ પ્રદેશ પોલીસે રાજ્યમાં સક્રિય એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે. પોલીસ દ્વારા મંગળવારે આપવામાં આવેલી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો અરૂણાચલ પ્રદેશના સંવેદનશીલ અને વ્યૂહાત્મક વિસ્તારોની ગુપ્ત માહિતી એકત્ર કરી પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓને મોકલતા હોવાનો ગંભીર આરોપ છે.

પોલીસ મહાનિરીક્ષક (IGP) ચુખુ આપાએ જણાવ્યું હતું કે, 18 ડિસેમ્બરે કુપવાડાથી એજાઝ અહમદ ભટ અને બશીર અહમદ ગનાઈની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અરૂણાચલ લાવવામાં આવ્યા છે. આ અગાઉ 21 નવેમ્બરે ઈટાનગરથી નજીર અહમદ મલિક અને સાબિર અહમદ મીરની ધરપકડ બાદ આ આખા રેકેટના તાર જોડાયા હતા. વધુમાં, વેસ્ટ સિયાંગના આલો શહેરમાં કપડાની દુકાન ચલાવતા હિલાલ અહમદ નામના શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ મુખ્યત્વે ધાબળા વેચવાનો વ્યવસાય કરતા હતા. આ વ્યવસાયના બહાને તેઓ રાજ્યના વિવિધ હિસ્સાઓમાં ફરતા હતા અને સુરક્ષા દળો તેમજ અન્ય વ્યૂહાત્મક સ્થળોની માહિતી ભેગી કરતા હતા. ઈટાનગરના એસપી જુમ્મર બસરના નેતૃત્વમાં બનેલી સ્પેશિયલ ટીમે આ ટોળકીને ઝડપી પાડી છે. જોકે, ગુલામ મોહમ્મદ મીર નામના એક શખ્સ વિરુદ્ધ પુરાવા ન મળતા તેને મુક્ત કરાયો છે.

પોલીસ હવે આરોપીઓના મોબાઈલ અને અન્ય ઉપકરણોના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ બાદ જાણવા મળશે કે અત્યાર સુધી કેટલી માહિતી પાકિસ્તાન મોકલવામાં આવી છે. આ ઘટનાને પગલે આઈજીપી આપાએ ચિંતા વ્યક્ત કરતા સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે, “કોઈપણ બહારની વ્યક્તિને ભાડે રાખતા પહેલા કે મિલકત આપતા પહેલા પોલીસ વેરિફિકેશન અચૂક કરાવવું. સુરક્ષાના ભોગે કોઈને પણ ઓળખ વગર આશરો આપવો જોખમી બની શકે છે.”

Exit mobile version